પાકિસ્તાનમાં છુપાઈને રહેતા ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનું મોત

Spread the love

હાર્ટ એટેકના કારણે બે ડિસેમ્બરે મોત થયું, આ સમાચાર લીક ના થાય તે માટે ચોરી છુપીથી પાકિસ્તાનમાં લખબીર સિંહના શિખ રીતિ રિવાજથી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા


નવી દિલ્હી
પાકિસ્તાનમાં લપાઈ છુપાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનુ મોત થયુ છે.લખબીર સિંહ જરનૈલ સિંહ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઈશારે ભારતના પંજાબ પ્રાંતમાં આતંકી પ્રવૃત્તિઓ ફેલાવવામાં સામેલ હતો.
મળતી વિગતો પ્રમાણે હાર્ટ એટેકના કારણે બે ડિસેમ્બરે તેનુ મોત થયુ હતુ.આ ખબર લીક ના થાય તે માટે ચોરી છુપીથી પાકિસ્તાનમાં લખબીર સિંહના સિખ રીતિ રિવાજથી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.લખબીરની ઉંમર 72 વર્ષ હતી અને તે પોતાને પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન લિબરેશન ફોર્સ તથા ઈન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશનનો પ્રમુખ ગણાવતો હતો.ભારતમાંથી ભાગી છુટયા બાદ ઘણા વર્ષોથી તે પાકિસ્તાનમાં રહેતો હતો.
લખબીરના મોતની વાતને તેના ભાઈ જસબીર સિંહે સમર્થન આપતા કહ્યુ છે કે, પાકિસ્તાનમાં હાર્ટ એટેકથી તેનુ મોત થયુ છે.તેના બે પુત્રો , એક પુત્રી અને પત્ની કેનેડામાં રહે છે.
લખબીર સિંહ ભારતના પંજાબના મોગા જિલ્લાનો રહેવાસી હતો.તે ભારતથી ફરાર થઈને દુબઈ ગયો હતો.પોતાના પરિવારને કેનેડા મોકલી દીધા બાદ તે પાકિસ્તાનમાં રહેતો હતો.2002માં ભારતે જ્યારે પાકિસ્તાનને 20 આતંકીઓનો સોંપવા માટે લિસ્ટ આપ્યુ હતુ તેમાં લખબીરનો પણ સમાવેશ થતો હતો.લખબીર ભારતમાં ગેરકાયદેસર રીતે હથિયારો અને વિસ્ફોટકો મોકલવાની ગતિવિધિઓમાં સામેલ હતો.
તેના પર આરોપ છે કે, સ્થાનિક ગેંગસ્ટર્સની મદદથી પંજાબમાં તેણે ઘણા હુમલા કરાવ્યા હતા.આ વર્ષની શરુઆતમાં ભારતની સરકારે તેની મોગા જિલ્લામાં આવેલી એક જમીન પણ કબ્જે કરી હતી.15 સપ્ટેમ્બર 2021ના રોજ પંજાબમાં થયેલા ટિફિન બ્લાસ્ટમાં પણ તેનો હાથ હોવાનો આરોપ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મુકયો હતો.

Total Visiters :96 Total: 1010261

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *