તિજારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાન ભાજપના બાલકનાથ સામે હારી ગયા હતા
જયપુર
રાજસ્થાનની તિજારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈમરાન ખાન પોતાના સમર્થકોને એક-બે દિવસ બજારમાં ન જવા માટે અપીલ કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વીડિયો ચૂંટણી પરિણામો આવી ગયા બાદનો છે જેમાં તેઓ હાર્યા બાદ પોતાના સમર્થકોને સંબોધિત કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં ઈમરાન ખાન એવું કહી રહ્યા છે કે, હવે એક-બે દિવસ બજારમાં ન નીકળતા કારણ કે, બીજેપી વાળાની જીતનો જશ્ન મનાવવાની રીત ખૂબ જ ઉગ્ર છે. આગળ ઈમરાન ખાન પોતાના સમર્થકોને કહી રહ્યા છે કે, કોઈની સાથે કોઈ લડાઈ નહોતી. એ તમામ લોકોનો ધન્યવાદ જેમણે મને ચૂંટણીમાં સંપૂર્ણ સહકાર આપ્યો. લોકોને ફરિયાદ પણ હશે કે, હું દરેક ગામો સુધી પહોંચી ન શક્યો પરંતુ તમામે મારા માટે ખૂબ મહેનત કરી.
બાબા બાલકનાથે તિજારા બેઠક પર જીત મેળવી છે. જ્યાં 1951થી 2018 વચ્ચે ભાજપ માત્ર એક જ વખત જીતી હતી. અહીં પોતાના આક્રમક પ્રચારથી બાલકનાથે કોંગ્રેસના ઈમરાન ખાનને 6173 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી છે. આ બેઠક મતદાનની દ્રષ્ટિએ બીજા સ્થાને હતી. અહીં 86.11 ટકા મતદાન થયું હતું.