ગુજરાત ટાઈટન્સમાં શુભમન ગિલ, કોલકાતા નાઈટ રાઈડર્સમાં શ્રેયસ અય્યર, દિલ્હી કેપિટલ્સ ટીમમાં રિષભ પંત સુકાની તરીકે જોવા મળશે
મુંબઈ
આઈપીએલ 2024માં કેટલીક ટીમોના ખેલાડીઓના સ્તરમાં ફેરફાર જોવા મળશે. પરંતુ આ વખતે કેટલીક ટીમોના કેપ્ટનમાં પણ ફેરફાર જોવા મળશે. હવે ગુજરાત ટાઈટન્સના કેપ્ટનના રૂપમાં શુભમન ગિલ જોવા મળશે. કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની વાપસી થઇ શકે છે. જયારે દિલ્હી કેપિટલ્સ ટીમની કમાન ફરી એકવાર રિષભ પંતના હાથોમાં જોવા મળી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં ગૌતમ ગંભીરની વાપસી મેંટોર તરીકે થઇ છે. ગંભીરના નેતૃત્વમાં કેકેઆર 2 વખત ચેમ્પિયન બની છે. આ વખતે કેકેઆરમાં કેપ્ટન તરીકે અય્યરની વાપસી થઇ શકે છે. ગત સિઝનમાં તે ફીટ ન હતો. જેથી ટીમની કેપ્ટનશીપ નીતીશ રાણાને સોંપવામાં આવી હતી. નીતીશ રાણાના નેતૃત્વમાં કેકેઆરએ આઈપીએલ 2023માં 14માંથી 6 મેચ જીતી હતી, જયારે 8 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ પોઈન્ટ્સ ટેબલ પર 7માં નંબરે હતી.
આઈપીએલ 2023માં કેકેઆરની કપ્તાની સંભાળનાર નીતીશ રાણાએ 14 મેચમાં 31.77ની એવરેજ અને 140.96ની સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ ઝડપી હતી. જયારે શ્રેયસ અય્યરને આઈપીએલ 2022 સિઝનમાં 12.25 કરોડ રૂપિયામાં કોલકાતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અય્યરે આઈપીએલ 2022ની 14 મેચોમાં 30.85ની એવરેજ અને 134.56ની સ્ટ્રાઈક રેટથી 401 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સની ટીમે આઈપીએલ 2023માં ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીની ટીમે 14માંથી 5 મેચ જીતી હતી. તે પોઈન્ટ્સ ટેબલ પર 9માં સ્થાને હતી. આઈપીએલ 2023માં રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ ડેવિડ વોર્નરને સોંપવામાં આવી હતી. અકસ્માતના કારણે પંત આઈપીએલ 2023માં રમી શક્યો ન હતો.
રિષભ પંતે વર્ષ 2021 પહેલીવાર દિલ્હી કેપિટલ્સની કપ્તાની સંભાળી હતી. તે સિઝનમાં દિલ્હીનો કેપ્ટન શ્રેયસ અય્યર હતો. તે ઈજાના કારણે ટુર્નામેન્ટથી બહાર થઇ ગયો હતો. તે પછી આઈપીએલ 2022માં ડીસીએ રિષભ પંતને કેપ્ટન તરીકે રિટેન કર્યો હતો. પંત આઈપીએલ 2023 પહેલા જ ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યાએ ડેવિડ વોર્નરે કેપ્ટનશીપ સંભાળી હતી. વોર્નરે ગત સિઝનમાં 14 મેચમાં 36.86ની એવરેજ અને 131.63ની સ્ટ્રાઈક રેટથી 516 રન બનાવ્યા હતા.
શુભમન ગિલ આઈપીએલ 2023માં સૌથી વધુ રના બનાવનાર બેટ્સમેન હતો અને તેણે ઓરેન્જ કેપ પણ જીતી હતી. ગિલે 17 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. ગિલે વર્ષ 2018 કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પોતાનો આઈપીએલ ડેબ્યૂ કર્યો હતો. ગિલે તેના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 91 મેચ રમી છે. જેમાં તેણે 37.70ની એવરેજ થી 2790 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 18 ફિફ્ટી ફટકારી છે. તેનો હાઈએસ્ટ આઈપીએલ સ્કોર 129 રન છે. ગિલે તેના આઈપીએલ કરિયરમાં 273 ચોગ્ગા અને 80 છગ્ગા ફટકાર્યા છે. આઈપીએલ 2023ની હરાજી પહેલા ગિલને ગુજરાત ટાઈટન્સે 8 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો.