હાર્દિક પોતાને સંપૂર્ણ રીતે ફીટ બનાવવા માટે 18 અઠવાડિયા સુધી સખત મહેનત કરશે, આ પછી તે માર્ચ મહિનામાં વાપસી કરી શકે છે
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ઈજાના કારણે ટીમથી બહાર છે. હાર્દિક વનડે વર્લ્ડ કપ2023માં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે વનડે વર્લ્ડ કપ2023ની બાકીની મેચમાં રમી શક્યો ન હતો. સાઉથ આફ્રિકાના પ્રવાસ પર પંડ્યાની વાપસીની આશા હતી, પરંતુ જાહેર કરાયેલી ટીમમાં તેનું નામ ન હતું. હવે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિકની ફિટનેસ માટે બીસીસીઆઈ ખાસ પ્લાન બનાવી રહ્યું છે.
હાર્દિક પોતાને સંપૂર્ણ રીતે ફીટ બનાવવા માટે 18 અઠવાડિયા સુધી સખત મહેનત કરશે. આ પછી તે માર્ચ મહિનામાં વાપસી કરી શકે છે. આ સ્થિતિમાં તે ભારતમાં અફઘાનિસ્તાન સામે રમાનારી ટી20 સિરીઝમાં પણ રમી શકશે નહીં. આવતા વર્ષે જૂન મહિનામાં આયોજિત થનાર ટી20 World Cupમાં હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી રહેશે. ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ2022 પછી ભારત માટે કોઈ ટી20આઈ મેચ રમી નથી
રોહિતની ગેરહાજરીમાં મોટાભાગની ટી20આઈ મેચોમાં હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમની કમાન સંભાળી છે. આવી સ્થિતિમાં આવતા વર્ષે રમાનાર ટી20 વર્લ્ડ કપ2024માં હાર્દિક પંડ્યાને ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. જેથી બીસીસીઆઈ હાર્દિકના ફિટનેસ પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે અને તેની વાપસીને લઈને કોઈ ઉતાવળ કરી રહ્યું નથી. બીસીસીઆઈએ હાર્દિકના ફિટનેસ માટે 18 અઠવાડિયાનો પ્લાન બનાવ્યો છે. આ દરમિયાન તેને નેશનલ ક્રિકેટ એકેડમીમાં રહીને પોતાના ફિટનેસ પર કામ કરવું પડશે.
હાર્દિક પહેલા બીસીસીઆઈએ જસપ્રીત બુમરાહ, કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ માટે આવો જ પ્લાન બનાવ્યો હતો અને આ ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફીટ થઇ વનડે વર્લ્ડ કપ2023માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં સામેલ હતા. હવે આવી જ યોજના હાર્દિક માટે પણ બનાવવામાં આવી છે.