એજન્સીએ બચ્ચા રાયની કોલેજ સહિત ઘણી સંપત્તિઓને જપ્ત કરી લીધી હતી જેના પર માફિયાનો ફરી કબજો
વૈશાલી
કહેવાય છે કે, જ્યાં ક્યાંય નથી થતું તે બિહારમાં થાય છે. સમગ્ર દેશમાં ભ્રષ્ટ અને બેઈમાનોની સંપત્તિ જપ્ત કરનારી કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીની સંપત્તિ પર જ બિહારમાં દબંગોએ દબંગોએ કબજો કરી લીધો છે. આ મામલો વૈશાલીનો છે. હવે ઈડીએ દબંગોના કબજામાંથી પોતાની જમીનને છોડાવવા માટે બિહાર પોલીસ પર મદદ માંગી છે.
એક સમય હતો જ્યારે બિહારનું સમગ્ર શિક્ષણ વિભાગ માફિયાઓની ચંગુલમાં હતું. પૈસાના દમ પર એડમિશનથી લઈને પરીક્ષા પાસ કરાવવાનો ધંધો ચાલી રહ્યો હતો. આ દરમિયાન જ ટોપર કૌભાંડ સામે આવ્યું અને ત્યારબાદ શિક્ષણ માફિયાઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ઈડીએ તપાસ બાદ માફિયા બચ્ચા રાય સહિત ઘણા લોકો પર સકંજો કસીને તેઓની જમીનો જપ્ત કરી લીધી હતી.
ટોપર કૌભાંડમાં વૈશાલી જિલ્લામાં સ્થિત વિશુન રાય કોલેજ અને કોલેજના પ્રિન્સિપાલ બચ્ચા રાય બિહારના શિક્ષણ વિભાગના સૌથી મોટા માફિયા તરીકે સામે આવ્યા હતા. જ્યાં બાળકોને સારા માર્ક અપાવવા માટે અને ટોપર બનાવવા માટે એક સિન્ડિકેટ ચલાવવામાં આવી રહ્યુ હતું. તપાસ બાદ બચ્ચા રાયની ધરપકડ કરવામાં આવી હતી અને એજન્સીએ બચ્ચા રાયની કોલેજ સહિત ઘણી સંપત્તિઓને જપ્ત કરી લીધી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે બચ્ચા રાયે ફરી એક વખત બાળકોને ટોપર બનાવવાનું કામ શરૂ કરી દીધુ છે. એટલું જ નહીં માફિયા બચ્ચા રાયે ઈડીની સંપત્તિ પર કબજો કરી લીધો છે. દબંગો પાસેથી પોતાની જમીન છોડાવવા માટે ઈડીએ આસિસ્ટન્ટ ડિરેક્ટર રાજીવ રંજને ભાગવાનપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બીજી તરફ આ મામલે એસડીપીઓ હાજીપુર ઓમ પ્રકાશે જણાવ્યું કે, એફઆઈઆર પ્રમાણે બચ્ચા રાય અને તેના ગુંડાઓએ ઈડીની સંપત્તિ પર કબજો કરીને નિર્માણ કરવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં નિર્માણ કાર્ય બંધ કરાવી દીધુ છે. આરોપી બચ્ચા રાય પર પણ જરૂરી કાર્યવાહી કરીશું.