સ્ટેશનના નિર્માણ દરમિયાન આધુનિક આર્કિટેક્ચર સાથે સાંસ્કૃતિક વારસાનું પણ અનોખુ મિશ્રણ જોવા મળી રહ્યું છે
નવી દિલ્હી
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેકટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન ટર્મિનલનો એક વીડિયો પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદના સાબરમતીમાં બનીને તૈયાર છે અને સ્ટેશનના નિર્માણ દરમિયાન આધુનિક આર્કિટેક્ચર સાથે સાંસ્કૃતિક વારસાનું પણ અનોખુ મિશ્રણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત મુસાફરોને બુલેટ ટ્રેન સ્ટેશનમાં સ્ટેટ-ઓફ-આર્ટ આધુનિક સુવિધાઓ પણ મળશે. આ ગુજરાતીઓ અને અમદાવાદીઓ માટે વધુ એક મોટી સિદ્ધિ સમાન છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 508 કિલોમીટર લાંબો ટ્રેકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ ટ્રેન ટનલ અને દરિયાની નીચેથી પસાર થશે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 1.08 લાખ કરોડ રુપિયાનો ખર્ચ થવાની શક્યતા છે. આ ખર્ચના 81 ટકા જાપાન સોફ્ટ લોન દ્વારા 0.1 ટકા પ્રતિ વર્ષના દરથી મળશે અને તેમાં 15 વર્ષનો ગ્રેસ પિરિયડ સહિત 50 વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો નક્કી કરાયા હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે આ બુલેટ ટ્રેન પ્રોજક્ટને વર્ષ 2017માં વડાપ્રધાન મોદી અને જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે દ્વારા શરુ કરવામાં આવ્યો હતો. આ બુલેટ ટ્રેન સ્ટેશન મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં બન્યું છે.