કેબિનેટે રાજ્યની મહેસૂલી આવક વધારવા અને ઝેરીલા દારૂની સપ્લાય રોકવા માટે લીકર પોલિસીમાં ફેરબદલ કર્યા
ઈમ્ફાલ
દારૂબંધી એક અતિ સંવેદનશીલ મુદ્દો ગણાય છે. આ મુદ્દે કોઈ પણ સરકાર ગમે તેવો નિર્ણય કરતાં પહેલાં અનેકવાર વિચારે છે. ટેક્સની દૃષ્ટિએ આ સરકાર માટે કમાણીનો મોટો સોર્સ હોય છે. જ્યારે લોકો માટે આ ભાવનાત્મક મુદ્દો છે. એટલે જ બિહારમાં નીતીશ કુમારે મહિલાઓની માગ પર દારૂબંધીની જાહેરાત કરી હતી. આ મુદ્દે હવે રાજકારણ જ રમાય છે. જોકે આ સૌની વચ્ચે મણિપુર એક એવું રાજ્ય છે જ્યાં દારૂબંધીનો કાયદો ખતમ કરી દેવાયો છે. તેના બાદ બિહારમાં પણ ફરી એવી માગ થવા લાગી છે.
મણિપુરમાં ભાજપની સરકારે 30 વર્ષથી વધુ સમયથી અમલી દારૂ પરનો પ્રતિબંધ ઊઠાવી લેવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટે રાજ્યની મહેસૂલી આવક વધારવા અને ઝેરીલા દારૂની સપ્લાય રોકવા માટે લીકર પોલિસીમાં ફેરબદલ કર્યા છે. મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહના નેતૃત્વ હેઠળની કેબિનેટે રાજ્યમાં 30 વર્ષથી વધુ સમયગાળાના પ્રતિબંધ બાદ દારૂના ઉત્પાદન, કબજા, નિકાસ, આયાત, પરિવહન, ખરીદી, વેચાણ અને વપરાશને મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સપ્ટેમ્બર 2022માં દારૂબંધી પર લગાવેલો પ્રતિબંધ અહીંની સરકારે આંશિકરૂપે ઊઠાવ્યો હતો. જિલ્લા હેડક્વાર્ટર, આશરે 20 બેડ ધરાવતી હોટેલમાં દારૂના વેચાણ અને વપરાશની સાથે સાથે સ્થાનિક સ્તરે બનેલા દેશી દારૂના નિકાસ મંજૂરી અપાઈ હતી.