લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી
નવી દિલ્હી
મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
આજે સંસદના શિયાળુ સત્રનો પાંચમો દિવસ છે અને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા કેસ પર એથિક્સ કમિટીએ લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટની રજૂઆત બાદ તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં જોરદાર સુત્રોચ્ચાર કરતાં હોબાળાની સ્થિતિને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. વિપક્ષી દળો તરફથી પણ આ મામલે ઘણાં સાંસદોનો મહુઆને સમર્થન મળતો દેખાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મહુઆ મોઇત્રા પર બિઝનેસમેન દર્શન હીરાનંદાણી પાસેથી પૈસા લઈને અદાણી અંગે લોકસભામાં સવાલો પૂછવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. આ મામલે તેમના પર બિઝનેસમેન પાસેથી પૈસા અને ગિફ્ટ્સ પણ લેવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ ભાજપના સાંસદના આરોપો બાદ મહુઆએ એ વાત પણ સ્વીકારી હતી કે તેમણે બિઝનેસમેનને તેમના સંસદના લોગઈન અને પાસવર્ડ આપ્યા હતા.