હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે, પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પસંદગી બાદ પણ કાયમી નોકરી માટે આ પરીક્ષા પાસ કરવાની ફરજ પડતી હતી
લખનઉ
ઉત્તરપ્રદેશમાં (યુપી) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પસંદગી પામ્યા બાદ પણ સબ રજિસ્ટ્રારે કાયમી નોકરી માટે આ પરીક્ષા પાસ કરવાની ફરજ પડતી હતી. તેનું કારણ સત્તાવાર દસ્તાવેજોમાં ઉર્દૂ અનેફારસી શબ્દોનો વધુ પ્રયોગ થતો હતો.
માહિતી અનુસાર યોગી સરકારે હવે આ શબ્દોની જગ્યાએ સામાન્ય હિન્દી શબ્દો વાપરવાનો નિર્ણય લીધો છે. આવું કરવા માટે રજિસ્ટ્રેશન એક્ટ 1908માં સુધારો કરાયો છે. યોગી આદિત્યનાથ સરકાર યુપીમાં થતી રજિસ્ટ્રી માટે 1908માં બનેલા રજિસ્ટ્રેશન એક્ટમાં ફેરફાર કરશે. આ કાયદો અંગ્રેજો દ્વારા બનાવાયો હતો. આ એક્ટ હેઠળ સરકારી દસ્તાવેજોમાં ઉર્દૂ અને ફારસીને પ્રોત્સાહન અપાયું હતું. આ કારણે મોટાભાગની રજિસ્ટ્રીમાં ઉર્દૂ અને ફારસીમાં ઘણાં શબ્દો છે.
આ શબ્દો એટલા જટિલ છે કે સામાન્ય હિન્દૃી ભાષી લોકો તેને સમજી નથી શકતા. સરકારી દસ્તાવેજોમાં ઉર્દૂ અને ફારસીના વ્યાપક ઉપયોગને લીધે રજિસ્ટ્રી અધિકારીઓએ પણ આ ભાષાઓ શીખવી પડતી હતી. તેના માટે ઉપ રજિસ્ટ્રાર સ્તરે ભરતી કરાયેલા અધિકારીઓએ પબ્લિક સર્વિસ કમીશન દ્વારા પસંદગી પામ્યા બાદ ઉર્દૂની પરીક્ષા પાસ કરવી પડતી હતી. જો તે આ પરીક્ષા પાસ કરે તો જ તેમને કાયમી નોકરી મળતી હતી.