દબાણના મુદ્દે કચ્છ કલેક્ટર, એસપી અને અંજાર ડીવાયએસપીને હાઈકોર્ટનું તેડું

Spread the love

હાઇકોર્ટના હુકમ છતાં શા માટે તંત્ર દ્વારા સરકારી જમીનનો કબ્જો લેવાયો નથી અને હાઇકોર્ટના હુકમનું કેમ પાલન નથી થયું તે મુદ્દે ખુલાસો કરવા નિર્દેશ


અમદાવાદ
કચ્છમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરી જમીનનો કબ્જો લેવા અંગેના હુકમનું પાલન નહી થતાં જસ્ટિસ જે.સી.દોશીએ આજે ગંભીર નોંધ લઇ કચ્છ કલેકટર, એસપી અને અંજારના ડીવાયએસપીને આગામી મુદતે હાઇકોર્ટ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું હતું. હાઇકોર્ટના હુકમ છતાં શા માટે તંત્ર દ્વારા સરકારી જમીનનો કબ્જો લેવાયો નથી અને હાઇકોર્ટના હુકમનું કેમ પાલન નથી થયુ તે મુદ્દે ખુલાસો કરવા પણ જસ્ટિસ દોશીએ આ અધિકારીઓને નિર્દેશ કર્યો હતો.
સરકારી જમીન પર કેટલાક લોકો દ્વારા ગેરકાયદે દબાણના એક કેસમાં દબાણ કરનાર વ્યકિતઓ દ્વારા હાઇકોર્ટ સમક્ષ બાંહેધરી અપાઇ હતી કે, તેઓને આ જમીનમાં રસ નથી અને તેઓ જમીન ખાલી કરી દેશે. જો કે, તેનું પાલન ના કર્યું, બીજીબાજુ, હાઇકોર્ટ સમક્ષના કેસમાં જમીન ખાલી કરી દેવાયાનો ખોટો દાવો કરાયો હતો. જેથી હાઇકોર્ટે સ્થાનિક સંબંધિત સત્તાવાળાઓને જગ્યાનું પંચનામું કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું. જો કે, મામલતદાર તરફથી કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરાતાં હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી કે, કચ્છ કલેકટર કયાં છે, તેમનો રિપોર્ટ કયાં છે..? તેમણે કેમ હુકમનું પાલન કર્યું નથી..શું તે હાઇકોર્ટથી ઉપર છે..? સહિતના વેધક સવાલો કરી હાઇકોર્ટ ગંભીર ટીક કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં હાઇકોર્ટના હુકમનું પાલન કેમ કરાયુ નથી. હાઇકોર્ટે ડીવાયએસપી અંજાર, એસપી કચ્છ અને કલેકટર કચ્છને વિવાદીત જમીનનો કબ્જો લઇ લેવા હુકમ કર્યો હતો પરંતુ તેનું પાલન થયુ નથી અને સમગ્ર મામલામાં મેળાપીપણું જણાય છે. તમારા પોલીસવાળા હાઇકોર્ટના ઓર્ડર પણ માનતા નથી. હાઇકોર્ટના હુકમ છતાં સરકારી જમીનનો કબ્જો મેળવ્યો નથી અને ઉલ્ટાનું આરોપીને મદદ કરી રહ્યા હોવાનું પ્રતીત થાય છે. આ દેખીતી રીતે અદાલતનો તિરસ્કાર છે. તેથી ઉપરોકત અધિકારીઓ હાઇકોર્ટ રૂબરૂ હાજર રહી વિગતવાર ખુલાસો કરે. ત્યારબાદ હાઇકોર્ટે ડીવાયએસપી અંજાર, એસપી કચ્છ અને કલેકટર કચ્છને આગામી મુદતે હાઇકોર્ટ સમક્ષ રૂહાજર રહેવા ફરમાન કર્યું હતુ અને કેસની વધુ સુનાવણી આવતા મહિને મુકરર કરી હતી.

Total Visiters :125 Total: 1011617

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *