હવે આ તમામ નેતાઓએ દિલ્હીમાં સરકારી બંગલા ખાલી કરવા પડશે
નવી દિલ્હી
ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બમ્પર જીત મેળવી હતી. આ ચૂંટણીઓમાં પાર્ટીએ પોતાના 21 સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે જે સાંસદોએ જીત મેળવી છે અને પોતાના સાંસદ પદેથી રાજીનામું આપીને વિધાનસભાનું સભ્યપદ જાળવી રાખ્યું છે તેમને 30 દિવસમાં દિલ્હીમાં તેમના સરકારી બંગલા ખાલી કરવા નોટિસ મળી ગઈ છે.
ગુરુવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે તેમણે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ સહિત નવ લોકસભા સાંસદોના રાજીનામા સ્વીકારી લીધા હતા. બે કેન્દ્રીયમંત્રી ઉપરાંત રાજીનામું આપનારા અન્ય લોકસભા સાંસદોમાં મધ્યપ્રદેશના રાકેશ સિંહ, ઉદય પ્રતાપ સિંહ અને રીતિ પાઠક સામેલ છે જ્યારે રાજસ્થાનથી દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, મહંત બાલકનાથ, કિરોડી લાલ મીણા તેમજ છત્તીસગઢના ગોમતી સાઈ તથા અરુણ સાહુએ પણ રાજીનામું આપ્યું છે.
ભાજપના નેતા સીઆર પાટીલની આગેવાની હેઠળની સમિતિ આ પ્રકારના મામલાઓ પર નજર રાખે છે. જ્યાં તેની પાસે સાંસદોના બંગલા સંબંધિત જવાબદારી પણ હોય છે. લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપનારાઓમાં પૂર્વ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર પણ સામેલ છે. જ્યારે મધ્યપ્રદેશથી પ્રહલાદ પટેલ, રીતિ પાઠક, રાકેશ સિંહ, ઉદય પ્રતાપ સિંહના પણ આ યાદીમાં નામ છે. હવે આ તમામ નેતાઓએ દિલ્હીમાં સરકારી બંગલા ખાલી કરવા પડશે.