રાજ્ય તરીકેનો દરજ્જો પણ જમ્મુ-કાશ્મીરને જલદી પરત કરવામાં આવે
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાનો આદેશ બંધારણીય રીતે માન્ય છે. જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ભલામણ ભારતના રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નથી. સીજેઆઈએ કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને બંધારણીય રીતે યોગ્ય ગણાવ્યો હતો.
આ સાથે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં રાજ્યમાં ચૂંટણીનું આયોજન કરી દેવામાં આવે અને રાજ્ય તરીકેનો દરજ્જો પણ જમ્મુ-કાશ્મીરને જલદી પરત કરવામાં આવે. જોકે સીજેઆઈએ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાળવી રાખવાનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અસાધારણ સંજોગો સિવાય કોઈ પણ વ્યક્તિ કલમ 370 નાબૂદ કરવાના રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારી ના શકે. તેમણે કહ્યું કે આ નિર્ણય યોગ્ય હતો. તેમાં અમને કોઈ દ્વેષ જણાતો નથી. જસ્ટિસ કૌલે કહ્યું કે કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિને રાજ્યમાં ફેરફાર કરવાનો અધિકાર છે. આ સત્તા હેઠળ રાષ્ટ્રપતિ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી શકે છે. જસ્ટિસ કૌલે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે પોતે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં રાજ્યનો દરજ્જો પરત આપી દેશે.