ભારતીય ટીમના સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચે ટીમના સ્ટાર ખેલાડીઓની ફિટનેસ પર વાત કરી
નવી દિલ્હી
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને તેની ફિટનેસને લઈને યુઝર્સ સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતા હોય છે. આટલું જ નહીં પરંતુ કેટલાંક ફેન્સ તેને પોતાની ફિટનેસ બનાવી રાખવા માટે સલાહ આપતા પણ જોવા મળતા હોય છે. પરંતુ જો રોહિત શર્મા ફિટ નથી તો તે ફિટનેસ લેવલ ટેસ્ટ યો-યો કેવી રીતે પાસ કરી લે છે ? આ વર્ષે જ ભારતીય ટીમના તમામ ખેલાડીઓનો યો-યો ટેસ્ટ થયો હતો. જેને રોહિત શર્માએ ખુબ જ સરળતાથી પાસ કરી લીધો હતો.
ભારતીય ટીમના સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચ અંકિત કલિયરે વાતચીત દરમિયાન રોહિત શર્માની ફિટનેસ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ રોહિત એક ફિટ ખેલાડી છે. તેનો ફિટનેસ લેવલ ખુબ સારો છે. દેખાવમાં ભલે તે થોડો બલ્કી દેખાતો હોય પરંતુ તે દરેક વખતે યો-યો ટેસ્ટ ખુબ સરળતાથી પાસ કરે છે.’ તેણે વધુમાં કહ્યું, ‘ભારતીય ટીમમાં રોહિત કોહલીની જેમ જ ફિટ છે. ખાલી જોવામાં જ તેનું શરીર ભારે છે, પરંતુ અમે તેને મેદાનમાં જોયો છે. તે ખૂબ જ ચપળ અને ગતિશીલ છે. તે દેશના સૌથી ફિટ ક્રિકેટરોમાંથી એક છે.’
અંકિતને જયારે પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમમાં સૌથી ફિટ ખેલાડી કોણ છે ? તો તેણે જવાબ આપતા વિરાટ કોહ્લીનું નામ લીધું હતું. તેણે કહ્યું, ‘વિરાટ કોહલી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી ફિટ ક્રિકેટર છે. કોહલીના સૌથી ફિટ ખેલાડી હોવા પાછળનું કારણ તેની દિનચર્યા છે. ભલે તે ક્રિકેટ રમે ક ન રમે, તે હંમેશા ટ્રેનિંગ અને સપ્લીમેન્ટ્સ જેવી બાબતોનું સખતપણે પાલન કરે છે.’