રાહુલનો સા. આફ્રિકા માટેની ટેસ્ટ ટીમમાં પણ સમાવેશ કરાયો છે ત્યારે તેની રણજીની શાનદાર ઈનિંગ્સને યાદ કરવામાં આવી
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. અહીં તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે. આ સિરીઝમાં ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કે.એલ રાહુલને મોકો આપવામાં આવ્યો નથી. પરંતુ સાઉથ આફ્રિકા સામે રમાનાર વન-ડે સિરીઝમાં તેણે કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ ઉપરાંત તેને ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્યારે ક્રિકેટ ચાહકો કે.એલ રાહુલની જૂની મેરેથોન ઇનિંગ્સને યાદ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. તે મેરેથોન ઈનિંગમાં તેણે 337 રન બનાવ્યા હતા.
વર્ષ 2015માં રમાયેલી રણજી ટ્રોફીમાં કર્ણાટક અને ઉત્તર પ્રદેશ વચ્ચે મેચ રમાઈ હતી જે ડ્રો રહી હતી. પરંતુ કે.એલ રાહુલના શાનદાર પ્રદર્શનને કારણે આ મેચ આજે પણ યાદ કરવામાં આવે છે. રણજી ટ્રોફી 2015માં રમાયેલી મેચમાં કે.એલ રાહુલે ઉત્તર પ્રદેશ સામે પ્રથમ ઈનિંગમાં 448 બોલમાં 337 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 47 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં તેણે 33 બોલમાં 43 રન બનાવ્યા હતા. કે.એલ રાહુલની તે શાનદાર ઇનિંગ્સના કારણે તે અવારનવાર ચર્ચામાં રહે છે.
કર્ણાટક અન ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં ઉત્તર પ્રદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્યણ કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી કર્ણાટકની ટીમે 9 વિકેટના નુકસાને 719 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઉત્તર પ્રદેશની ટીમ 220 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. તે પછી બીજી ઇનિંગમાં કર્ણાટકની ટીમે 215 રન બનાવ્યા હતા. ઉત્તર પ્રદેશની ટીમે બીજી ઇનિંગમાં 2 વિકેટ ગુમાવીને 42 રન બનાવ્યા હતા અને દિવસ સમાપ્ત થઇ ગયો હતો. જેના કારણે આ મેચ ડ્રો રહી હતી.