ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ 19 જાન્યુઆરીના રોજ બ્લૂમફોન્ટેનમાં વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે
દુબઈ
આઈસીસીએ ગઈકાલે અંડર-19 વર્લ્ડ કપ2024નું શેડ્યુલ જાહેર કર્યું હતું. આ ટુર્નામેન્ટ 19 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકાની યજમાનીમાં રમાનાર છે. પહેલા આ ટુર્નામેન્ટનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું પરંતુ આઈસીસીએ ત્યાંથી આ ટુર્નામેન્ટને શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ 19 જાન્યુઆરીના રોજ બ્લૂમફોન્ટેનમાં વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે 20 જાન્યુઆરીના રોજ રમશે. ભારતની તમામ મેચનું આયોજન બ્લૂમફોન્ટેનમાં કરવામાં આવ્યું છે. પાંચ વખત ચેમ્પિયન રહી ચુકી ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ, આયરલેન્ડ અને યુએસએ સાથે ગ્રુપ-એમાં છે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન નથી. જેથી ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે નહીં. ટુર્નામેન્ટમાં આગળ આ બંને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.
આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ2024માં કુલ 16 ટીમો ભાગ લઇ રહી છે. આ તમામ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-એમાં ભારત, બાંગ્લાદેશ, આયરલલેન્ડ અને યુએસએ છે. ગ્રુપ-બીમાં ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને સ્કોટલૅન્ડ છે. ગ્રુપ-સીમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા છે. જયારે ગ્રુપ-Dમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને નેપાળ છે. તમામ 16 ટીમો 13થી 17 જાન્યુઆરી દરમિયાન 2-2 વોર્મઅપ મેચ પણ રમશે.
ત્રણ અઠવાડિયા સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં કુલ 41 મેચ રમાશે. આ તમામ 41 મેચોનું આયોજન સાઉથ આફ્રિકામાં 5 જગ્યાએ યોજાશે. આઈસીસીએ જે ચાર ગ્રુપ બનાવ્યા છે તેમાંથી ટોપ-3 ટીમો સુપર સિક્સ માટે ક્વાલિફાઈ કરશે. સુપર સિક્સમાંથી કુલ ચાર ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ બેનોનીમાં રમાશે.