જસ્ટિસ એસએસ સુંદર અને સુંદર મોહનની ખંડપીઠે સંપત કુમારને અરજી દાખલ કરવાની મંજૂરી આપવા માટે સજાને 30 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધી
ચેન્નાઈ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની દ્વારા દાખલ કરાયેલી અરજી પર મદ્રાસ હાઈકોર્ટે આજે આઈપીએસ ઓફિસર સંપત કુમારને 15 દિવસની જેલની સજા સંભળાવી છે. જોકે, જસ્ટિસ એસએસ સુંદર અને સુંદર મોહનની ખંડપીઠે સંપત કુમારને અરજી દાખલ કરવાની મંજૂરી આપવા માટે સજાને 30 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધી છે.
એમએસ ધોનીએ કથિત દુર્ભાવનાપૂર્ણ નિવેદનો અને સમાચાર રિપોર્ટ્સ પર ઝી મીડિયા, સંપત કુમાર અને અન્યો વિરુદ્ધ હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. એમએસ ધોની વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે 2013માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચોની સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગમાં સામેલ હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ હાઈકોર્ટ પાસે સંપત કુમાર સહિતના પ્રતિવાદીઓને આ મુદ્દા સાથે સંબંધિત તેમની વિરુદ્ધ અપમાનજનક નિવેદનો જારી કરવા અથવા પ્રકાશિત કરવાથી રોકવા માટેનો આદેશ આપવાની માંગ કરી હતી.
મદ્રાસ હાઈકોર્ટે અગાઉ વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો અને ઝી મીડિયા, સંપત કુમાર અને અન્યને એમએસ ધોની વિરુદ્ધ માનહાનિ વાળા નિવેદનો કરવા પર રોક લગાવી દીધી હતી. સંપત કુમારે જ શરૂઆતમાં આઈપીએલ સટ્ટાબાજીના કૌભાંડની તપાસ કરી હતી.
ત્યારબાદ ઝી મીડિયા અને અન્ય લોકોએ માનહાનિના કેસના જવાબમાં પોતાના લેખિત નિવેદનો નોંધાવ્યા હતા. ત્યારબાદ એમએસ ધોનીએ એક અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે, IPS સંપત કુમારે પોતાની લેખિત દલીલોમાં વધુ અપમાનજનક નિવેદનો આપ્યા છે. આ સાથે જ કોર્ટ પર સંપત કુમાર વિરુદ્ધ કોર્ટના આદેશની અવમાનનાની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મદ્રાસ હાઈકોર્ટમાં એમએસ ધોની તરફથી એડવોકેટ પીઆર રમન હાજર થયા હતા.
એમએસ ધોનીએ અરજીમાં આરોપ લગાવ્યો છે કે, આઈપીએસ ઓફિસરે સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. તેમની આ હરકત ન્યાયતંત્રમાં સામાન્ય માણસના વિશ્વાસ ડગમગાવનારી છે. આમ તે ગુનાહિત તિરસ્કાર છે.