ઉદ્યોગપતિ રતન ટાટાને મારી નાખવાની ધમકી આપનારો ઝડપાયો

Spread the love

અનામી કોલર સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે, કોલરે પોલીસને રતન ટાટાની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું


મુંબઈ
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાને જાનથી મારી નાખવની ધમકી આપનારા વ્યક્તિને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અનામી કોલર સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે.
મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, કોલરે પોલીસને રતન ટાટાની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું અને એવું ન કરવા પર ચેતવણી આપી કે, ઉદ્યોગ જગતના આ દિગ્ગજના હાલ ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના જેવા જ થશે.
સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બર 2022ના રોજ એક કાર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયુ હતું. કોલ મળતાની સાથે જ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ. એક ખાસ ટીમને રતન ટાટાની અંગત સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી જ્યારે બીજી ટીમને કોલ કરનાર વિશે માહિતી એકઠી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, તેમણે ટેક્નિકલ સપોર્ટ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની મદદથી કોલરને શોધી કાઢ્યો છે.
પોલીસે જણાવ્યું કે, ધમકીભર્યો કોલ કરનારનું લોકેશન કર્ણાટકનું હતું. તે પૂણેનો રહેવાસી હતો. ઘટના બાદ પોલીસ પૂણે સ્થિત તેના ઘર પર પહોંચતા જ તેમને જાણવા મળ્યું કે, કોલર છેલ્લા પાંચ દિવસથી લાપતા હતો અને તેમની પત્નીએ શહેરના ભોસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કોલ કરનાર આરોપીના પરિવારજનોની પૂછપરછ કરતા અધિકારીઓને જાણવા મળ્યું કે, તે સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે અને જે ફોન પરથી તેણે ફોન કર્યો હતો તે જણાવ્યા વગર કોઈના ઘરમાંથી લઈ લીધો હતો. પૂછપરછ દરમિયાન તેમના પરિવારજનોએ જણાવ્યું કે, ફોન કરનાર વ્યક્તિએ ફાઈનાન્સમાં એમબીએ કર્યું છે અને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને રતન ટાટાને ધમકી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ફોન કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાનો સામનો કરી રહ્યો છે એટલા માટે પોલીસે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો છે.

Total Visiters :100 Total: 1366923

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *