ગાંધીધામ
હરિયાણાના પંચકુલા ખાતેના તાઉ દેવી લાલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં હરમિત દેસાઈએ મેન્સ સિંગલ્સમાં માનુષ શાહને 4-0થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
ગુજરાતના હરમિત અને માનુષ માટે આ સાથે 2023ની સિઝનનો સુખદ અંત આવ્યો હતો. હરમિતે વડોદરા ખાતે પ્રથમ ટાઇટલ જીત્યું હતું અને હવે પંચકુલામાં બીજું ટાઇટલ જીત્યું હતું. તેના માટે આ સફળતા લાભકારક પુરવાર થઈ શકે તેમ છે કેમ કે તે સફળતા સાથે હવે આ જ સ્થળે શનિવારથી શરૂ થઈ રહેલી 85મી સિનિયર નેશનલ્સમાં ટીમ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારો છે.
હરમિત શાનદાર ફોર્મમાં હતો. તેના ગુજરાતના જ સાથી અને ડાબોડી ખેલાડી માનુષ પાસે હરમિત સામે રમવાનો કોઈ વિકલ્પ ન હતો. જોકે હરમિત પહેલી ગેમમાં સરસાઈ ભોગવતો હતો પરંતુ માનુષ તેની નજીક પહોંચી ગયો હતો અને સરસાઈનું અંતર ઘટાડવામાં સફળ રહ્યો હતો. પરંતુ તેણે 10-11ના સ્કોરે પોઇન્ટ બચાવ્યો હોવા છતાં અંતે તેના સિનિયર સાથી હરમિતે ગેમ જીતી લીધી હતી. ત્યાર બાદ મેચ એકતરફી બની ગઈ હતી કેમ કે દરેક ગેમમાં હરમિતે મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી દીધી હતી.
મેન્સ સિંગલ્સની એક તરફી બની ગયેલી સેમિફાઇનલમાં ચોથા ક્રમના માનુષે દિલ્હીના પાયસ જૈનને 3-1થી હરાવ્યો હતો જ્યારે બીજા ક્રમના હરમિતે ફાઇનલમાં પ્રવેશવા માટે પી બી અભિનદનને હરાવ્યો હતો.
પ્રથમ સેમિફાઇનલમાં પાયસે સારો પ્રારંભ કર્યો હતો પરંતુ ચોથા ક્રમના માનુષે થોડી જ વારમાં સ્કોર સરભર કરી દીધો હતો. ત્યાર બાદ પાયસે ત્રીજી,ચોથી અને પાંચમી ગેમમાં થોડો પ્રતિકાર કર્યો હોવા છતાં માનુષે મેચમાં પાછું વળીને જોયું ન હતું. ત્રણેય ગેમમાં પાયસ પાસે તક રહેલી હતી પરંતુ માનુષે તેને મળેલી તમામ તકનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો.
અંડર-19ની ક્વાર્ટર ફાઇનલમાં પરાસ્ત થયા બાદ અભિનંદ પાસે બીજા ક્રમના હરમિતને હરાવવા માટે પર્યાપ્ત ઉત્સાહ રહ્યો ન હતો. અનુભવી હરમિતે તામિલનાડુના આ યુવાનને જરાય તક આપી ન હતી.
પરિણામોઃ
મેન્સ સિંગલ્સઃ ફાઇનલઃ હરમિત દેસાઈ જીત્યા વિરુદ્ધ માનુષ શાહ 13-11, 11-7, 11-9, 11-6.
સેમિફાઇનલઃ માનુષ શાહ જીત્યા વિરુદ્ધ પાયસ જૈન 7-11, 11-6, 13-11, 14-12, 12-10; હરમિત દેસાઈ જીત્યા વિરુદ્ધ પી બી અભિનંદ 11-5, 11-4, 11-3, 11-7.