પ.બંગાળના આગામી મુખ્યમંત્રી તરીકે અભિષેક બેનર્જી હોટફેવરિટ

Spread the love

મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તેમની ફોઈના સ્થાને મુખ્યમંત્રીનું પદ સંભાળશેઃ કુણાલ ઘોષ

કોલકાતા

1998માં જ્યારે મમતા બેનર્જીએ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસનું ગઠન કર્યું ત્યારે બંગાળમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ તેમની સાથે આવ્યા હતા. જોકે લાંબી લડાઈ બાદ વર્ષ 2011માં જ્યારે તૃણમૂલ કોંગ્રેસે બંગાળની સત્તા પર કબજો કર્યો ત્યારબાદથી રાજ્યના રાજકારણમાં મમતા બેનર્જીના ઉત્તરાધિકારી અંગે હંમેશા અટકળો લગાવવામાં આવી રહી છે. તેમની જગ્યા કોણ લેશે તે અંગે વારંવાર ચર્ચા થતી આવી છે.

હવે જ્યારે મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ રાજનીતિમાં પોતાની મજબૂતી સાબિત કરી દીધી છે ત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેના પર પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષે પણ મહોર લગાવી દીધી છે. સોમવારે તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તેમની ફોઈના સ્થાને મુખ્યમંત્રીનું પદ સંભાળશે. 

કુણાલ ઘોષનું આ નિવેદન પંશ્ચિમ બંગાળની સત્તારુઢ પાર્ટી ટીએમસીમાં રાજનેતાઓની યુવા પેઢી સામે જૂના નેતાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આવ્યું છે. તેની શરૂઆત ગત નવેમ્બર મહિનાના અંતમાં થઈ હતી. જ્યારે બે વખતના સાંસદ અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું કે, ભલે રાજનીતિ હોય કે, કોઈ અન્ય ક્ષેત્ર મારું માનવું છે કે, ઉચ્ચ વય મર્યાદા હોવી જોઈએ. એક વ્યક્તિ જે કામ 30 વર્ષની ઉંમરમાં કરે છે તે 35 અથવા 50 વર્ષના લોકો પણ કરી શકે છે પરંતુ 80 વર્ષનો વ્યક્તિ તે કામ ન કરી શકે. 

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ચુચુરામાં મીડિયાને સંબોધિત કરતા કુણાલ ઘોષે કહ્યું કે મમતા બેનર્જી 2036 સુધી સેવા આપતા રહેશે અને ત્યારબાદ ભત્રીજો અભિષેક બેનર્જી તેમનું સ્થાન લેશે. 2024ની લોકસભા ચૂંટણીની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા ટીએમસીના પ્રવક્તાએ કહ્યું કે, અમે પુષ્ટિ કરી રહ્યા છીએ કે અમે મમતા દીદીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું અને અભિષેક બેનર્જી સેનાપતિ હશે. તેઓ 2036 સુધી સીએમ રહેશે અને પછી તેની કમાન અભિષેકને સોંપવામાં આવશે.

Total Visiters :83 Total: 1051530

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *