અર્જુન રામ મેઘવાલે આ મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા દિશાનિર્દેશોનો હવાલો આપી લોકસભામાં આ માહિતી આપી
નવી દિલ્હી
જો કોઈ દેશમાં ભારતીય વકીલ કે તેમને લગતી ફર્મને વકીલાત કરવામાં પરેશાન કરાશે કે તેમની સામે અવરોધો પેદા કરાશે તો તે દેશના વકીલોને કે પછી ત્યાંની કાનૂની પેઢીઓને ભારતમાં વકીલાત કરવા નહીં દેવાય.
કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે આ મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા દિશાનિર્દેશોનો હવાલો આપી લોકસભામાં આ માહિતી આપી હતી. બીસીઆઈએ આ વર્ષે 10 માર્ચના રોજ ભારતમાં વિદેશી વકીલો અને વિદેશી કાનૂની પેઢીઓના રજિસ્ટ્રેશન અને વિનિયમન માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમ 2022ને નોટિફાઈ કર્યા હતા. તેના પછી વિદેશી વકીલો અને લૉ ફર્મ માટે ભારતમાં વકીલાત કરવાનો માર્ગ મોકળો થયો હતો.
કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે વિદેશી વકીલો કે લૉ ફર્મોને ભારતમાં પારસ્પરિક આધારે પ્રવેશ મળશે. બીસીઆઈ દ્વારા તૈયાર કરાયેલા નિયમોમાં કોઈપણ વિદેશી વકીલ કે કાનૂની ફર્મનું રજિસ્ટ્રેશન રદ કરવાની જોગવાઈ પણ છે. તેમણે કહ્યું કે જો કોઈ સ્ત્રોતના માધ્યમથી બીસીઆઈને એ જાણકારી મળશે કે ભારતીય વકીલો કે ભારતીય લૉ ફર્મ સાથે સંબંધિત દેશની સરકાર દ્વારા કોઈપણ રીતે ભેદભાવ થઈ રહ્યો છે તો ભારતમાં એ દેશના વકીલો કે લૉ ફર્મનું રજિસ્ટ્રેશન કરી દેવાશે.