હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા
લાહોર
નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવાથી રાજકીય માહોલ બદલાઈ રહ્યો છે. એવામાં ગઈ કાલે બુધવારે સાંજે લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસારના ઘર પર ગ્રેનેડ વડે હુમલો થયો હતો. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. વર્ષ 2017માં સાકિબ નિસારની અધ્યક્ષતાવાળી બેંચે પનામા પેપર્સ કેસમાં પૂર્વ વડાપ્રધાન નવાઝને અયોગ્ય ઠેરવ્યા હતા.
સાકિબ નિસાર પાકિસ્તાનની એક ટીવી ચેનલને ફોન પર જણાવ્યું હતું કે, “હું અને મારા પરિવારના સભ્યો ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા ત્યારે ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જ્યારે હું ગેરેજમાં ગયો ત્યારે સુરક્ષા માટે તૈનાત બે પોલીસકર્મીઓ ઘાયલ અવસ્થામાં હતા. તેમણે જણવ્યું કે અજાણ્યા લોકોએ ગેરેજમાં ગ્રેનેડ ફેંક્યો અને ભાગી ગયા.”
સાકિબ નિસારના જણાવ્યા મુજબ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સાકિબ નિસારને શંકા છે કે આ હુમલો તેમના માટે કોઈ ગંભીર સંદેશ લઈ શકે છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પંજાબ પ્રાંતના પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે તમામ એંગલથી કેસની તપાસ કરી રહ્યા છીએ. પોલીસે પૂર્વ સીજેપીની સુરક્ષા વધારી દીધી છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમએલ-એન સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ બ્રિટનમાં ચાર વર્ષ વિતાવ્યા બાદ ઓક્ટોબરમાં લાહોર પહોંચ્યા ત્યારથી તેઓ તેમને સત્તા પરથી હટાવવા માટે પૂર્વ સીજેપી પર નિશાન સાધી રહ્યા છે.