દેશમાં ચોવિસ કલાકમાં 700થી વધુ કોરોનાના નવા કેસ, 4નાં મોત

Spread the love

કેરળમાં 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15, તમિલનાડુમાં 13 અને ગુજરાતમાં 12 સહિત 17 રાજ્યોમાં કોવિડ-19ના સક્રિય કેસ નોંધાયા

નવી દિલ્હી

વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારીએ ફરી એકવાર ચિંતા વધારી છે. દેશમાં દર એક કલાકે ઓછામાં ઓછા 26થી 27 લોકો સંક્રમિત થઈ રહ્યા છે જેના પગલે ડરનો માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 700થી પણ વધુ કેસો નોંધાયા છે જેમાં કેરળમાં સૌથી વધુ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે  જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 752 નવા કેસ સામે આવ્યા છે અને 4 લોકોના મોત થયા છે. આ સાથે જ સક્રિય કેસની સંખ્યા 3,420 પર પહોંચી ગઈ છે. ડેટા અનુસાર કેરળમાં 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15, તમિલનાડુમાં 13 અને ગુજરાતમાં 12 સહિત 17 રાજ્યોમાં કોવિડ-19ના સક્રિય કેસ નોંધાયા છે. કોરોના કેસોમાં વધારો થતા સરકારે કહ્યું હતું કે ચિંતાનું કારણ નથી અને લોકોએ ગભરાવાની જરૂર નથી, જો કે કેન્દ્ર સરકારે ગંભીર બીમારીઓથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે તેમજ સતર્ક રહેવા કહ્યું છે.

કોરોનાની સૌથી વધુ ચિંતા નવા વેરિયન્ટ જેએન.1થી વધી રહી છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે કોરોના કેસોમાં ઉછાળ એ જેએન.1 વાયરસના કારણે છે, જે કોવિડ ઓમિક્રોન સંસ્કરણનો વંશ છે. કેરળમાં કોરોનાના સબ વેરિયન્ટથી સંક્રમિત એક દર્દી મળી આવ્યો છે, જો કે દેશના અન્ય હિસ્સામાં હજુ સુધી આ વાયરસની સંક્રમણની પુષ્ટિ થઈ નથી.  હાલમાં લગભગ 41 દેશોમાં સબ-વેરિયન્ટનું સંક્રમણ જોવા મળ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ માહિતી આપી છે કે છેલ્લા એક મહિનામાં વિશ્વભરમાં કોરોના વાયરસના કેસોમાં 52 ટકાનો વધારો થયો છે.

નીતિ આયોગના આરોગ્ય સભ્યએ જણાવ્યું હતું કે, ‘જેએન.1 વેરિઅન્ટને કારણે કોવિડ કેસોમાં વધારો થયો છે પરંતુ તેના કારણે ગંભીર કેસોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. આ એ જ વાયરસ છે જે અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. ડબલ્યુએચઓ કહે છે, ‘જેએન.1 વેરિઅન્ટની સ્વાસ્થ્ય પરની અસરો જાણવા માટે વધુ અભ્યાસની જરૂર છે. જેએન.1 સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પણ અસર કરે છે. જે દેશોમાં ઠંડી હોય તેમણે પણ સાવચેતી રાખવી જોઈએ.’

હાલમાં, જેએન.1 વેરિયન્ટમાં કોવિડ-19ના જ તમામ લક્ષણો જોવા મળે છે  છે. સીડીસીના મત મુજબ, જેએન.1 વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટનું તુલનામાં નવા લક્ષણો સાથે ફેલાઈ પણ શકે છે અને નહી પણ. એવામાં હાલ કોરોનાના દર્દીમાં સામાન્યરીતે તાવ, નાકમાંથી પાણી આવવું, ગળામાં દુખાવો, માથાનો દુખાવો થવા જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજીને કોરોના વાયરસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશમાં વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસીસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા વેરિયન્ટની ટ્રેકિંગની સુવિધા માટે તમામ કોરોના કેસના સેમ્પલ ઈન્સાકોગ લેબમાં મોકલવાની સલાહ આપી હતી. આ સાથે રાજ્યોને જાગૃકતા ફેલાવવા, મહામારી મેનેજમેન્ટ કરવા અને તથ્યાત્મક રીતે યોગ્ય અને સાચી જાણકારી જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. 

Total Visiters :92 Total: 986919

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *