લગ્નના બે દિવસ બાદ માતા સાથે ઝઘડો થતાં વિવેકે પત્નીને રુમમાં પૂરી દીધી, દુર્વ્યવહાર શરૂ કરતા ફિરયાદ નોંધાવાઈ
નોઈડા
જાણીતા મોટિવેશનલ સ્પીકર અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર વિવેક બિન્દ્રા પર તેની પત્ની સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વિવેક બિન્દ્રાની પત્ની યાનિકા બિન્દ્રાના ભાઈ વૈભવ ક્વાત્રાએ તેની સામે નોઈડાના સેક્ટર 126માં કેસ નોંધાવ્યો છે.
વૈભવ કવાત્રાએ જણાવ્યું હતું કે 6 ડિસેમ્બરના રોજ યાનિકાના લગ્ન વિવેક બિન્દ્રા સાથે થયા હતા. વિવેક હાલ સેક્ટર-94માં રહે છે. લગ્નના 2 દિવસ પછી વિવેકનો તેની માતા પ્રભા સાથે ઝગડો થયો હતો. આ દરમિયાન પત્ની યાનિકાએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિવેકે તેને રૂમમાં બંધ કરી દીધી હતી. ત્યાર પછી તેણે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને તેને ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું. બિન્દ્રાએ તેને એટલી થપ્પડ મારી કે યાનિકાના કાનનો પડદો ફાટી ગયો. આરોપ છે કે બિન્દ્રાએ તેની પત્નીના વાળ પણ ખેંચી લીધા હતા, જેના કારણે તેના માથા પર પણ ઘા થયા હતા. ગુસ્સામાં બિન્દ્રાએ તેની પત્ની યાનિકાનો ફોન પણ તોડી નાખ્યો હતો.
તાજેતરમાં બિન્દ્રા અને અન્ય મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી વચ્ચે પણ વિવાદ થયો હતો. મહેશ્વરીએ બિન્દ્રા પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. મહેશ્વરીએ યુટ્યુબ પર ‘બિગ સ્કેમ એક્સપોઝ’ નામનો એક વીડિયો પણ અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે બિન્દ્રાની કંપની દ્વારા છેતરાયા હોવાનો દાવો કરનારા વિદ્યાર્થીઓને સાક્ષી તરીકે રજૂ કર્યા છે. જો કે બિન્દ્રાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.