સેનાએ અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરી કરતા એક ઠાર, ત્રણ સાથીના મૃતદેહને લઈને નાસી ગયા

Spread the love

આ ઘટના સર્વેલન્સ ઉપકરણોમાં પણ નોંધાઈ, આ અંગે ભારતીય સૈન્યની ‘વ્હાઈટ નાઈટ કોર’એ એક્સ પર પોસ્ટમાં માહિતી આપી


જમ્મુ
ભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરજ પર તહેનાત સુરક્ષાદળોએ મોરચો સંભાળીને જવાબી કાર્યવાહી કરી હતી અને એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
આ દરમિયાન ત્રણેય આતંકવાદી તેમના સાથીદારનો મૃતદેહ પાકિસ્તાન તરફ લઈ જતા દેખાયા હતા. આ ઘટના સર્વેલન્સ ઉપકરણોમાં પણ નોંધાઈ હતી. આ અંગે ભારતીય સૈન્યની ‘વ્હાઈટ નાઈટ કોર’એ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે ‘ખૌર, અખનૂર અને આઈબી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. 22-23 ડિસેમ્બરની રાતે સર્વેલન્સ સાધનોમાં શંકાસ્પદ ગતિવિધિ નોંધાઈ હતી. ત્યાર પછી અમે ફાયરિંગ શરૂ કર્યું હતું. બાદમાં આતંકીઓ તેમના સાથીદારના મૃતદેહને આંતરરાષ્ટ્રીય સરહદ પાર ઢસડીને લઈ જતા જોવા મળ્યા હતા.’
આ દરમિયાન પૂંછમાં એન્કાઉન્ટર થયું હતું તે સ્થળે ત્રણ મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યા હતા. પૂંછના ડે. કમિશનર મોહમ્મદ યાસિન ચૌધરી અને એસએસપી વિનયકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં રાજૌરી અને પૂંછમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા અનિશ્ચિત સમય સુધી બંધ કરી દેવાઈ હતી. આ મૃતદેહો કોના છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. નોંધનીય છે કે ગુરુવારે રાજૌરી-પૂંછમાં આતંકી હુમલો થયો હતો, જેમાં ચાર સુરક્ષાકર્મી શહીદ થયા હતા જ્યારે ચાર આતંકવાદી ઠાર મરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કહ્યું હતું કે, ‘કાશ્મીરમાં આતંકવાદ છેલ્લા શ્વાસ ગણી રહી છે અને ત્યાંની સુરક્ષા પશ્ચિમ બંગાળથી ઘણી સારી છે.’ આ નિવેદન બાદ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે મનોજ સિંહાને ઉપરાજ્યપાલના હોદ્દાનો દુરુપયોગ ન કરવાની સલાહ આપતા કહ્યું હતું કે ‘બંગાળ વિરુદ્ધ પાયાવિહોણી ટિપ્પણીઓ કરવા સામે અમે તમને ચેતવણી આપીએ છીએ.’

Total Visiters :72 Total: 986956

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *