આ પેટ્રોલ વેસલ્સ એડવાન્સ હેલિકોપ્ટરોથી સજ્જ હશે
નવી દિલ્હી
ભારતના પશ્ચિમી તટ પર કેમિકલ ટેન્કર એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા બાદ ઈન્ડિયન નેવી અરબ સાગરમાં સુપર એક્ટિવ થઈ ગઈ છે. હુમલા બાદ ઈન્ડિયન નેવીએ અરબ સાગરમાં 3 યુદ્ધ જહાજ તૈનાત કર્યા હતા અને હવે 4 પેટ્રોલ વેસલ્સ તૈનાત કરી દીધા છે. આ પેટ્રોલ વેસલ્સ એડવાન્સ હેલિકોપ્ટરોથી સજ્જ હશે.
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે તૈનાત કરવામાં આવેલ પેટ્રોલ વેસલ્સ એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. આ ક્ષેત્રમાં જ એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલો થયો હતો. શંકાસ્પદ ગતિવિધિ નજર આવતા મદદ માટે ઈન્ડિયન નેવીએ કોસ્ટ ગાર્ડના ડોર્નિયર સમુદ્રી દેખરેખ એરક્રાફ્ટની ફ્લાઈટમાં 50 ટકાનો વધારો કર્યો છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે લાલ સાગર અને અદનની ખાડીમાં ઈરાન સમર્થિત હૂતી આતંકવાદીઓએ કથિત રીતે અનેક કમર્શિયલ જહાજને નિશાન બનાવ્યું હતું. આ વચ્ચે 23 ડિસેમ્બરના રોજ પોરબંદરથી લગભગ 217 સમુદ્રી મીલના અંતરે 21 ભારતીય અને એક વિયેતનામી ક્રૂ મેમ્બર વાળા કમર્શિયલ જહાજ એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ક્ષતિગ્રસ્ત જહાજ 25 ડિસેમ્બરના રોજ બપોરે 3:30 વાગ્યે મુંબઈ તટ પર પહોંચ્યુ હતું. મુંબઈના માર્ગ પર ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGS વિક્રમે તેમને સુરક્ષા પૂરી પાડી હતી.
સમુદ્રી જહાજો પર સતત થઈ રહેલા હુમલા વચ્ચે અમેરિકાએ એમવી કેમ પ્લૂટો પર થયેલા હુમલાનો આરોપ ઈરાન પર લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે, આ હુમલા પાછળ ઈરાનનો હાથ છે.