ઓપનએઆઈ સામે અમેરિકામાં પહેલીવાર એક મોટા અખબારે આ કોપીરાઇટ કેસ દાખલ કર્યો
વોશિંગ્ટન
અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મોડેલ ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઈ અને તેની 49 ટકાની ભાગીદારી ધરાવતી માઈક્રોસોફ્ટ કંપની પર કેસ દાખલ કર્યો છે. બંને પર આરોપ મૂકાયો છે કે તેમણે અખબારોના લાખો સમાચાર અને લેખનો મફત ઉપયોગ કરી તેમના એઆઈ ચેટબોટ મોડેલને વિકસાવ્યું છે.
એવું મનાય છે કે ન્યુયોર્ક ટાઈમ્સ તેના કન્ટેન્ટની ચોરી બદલ ઓપનએઆઈ અને માઈક્રોસોફ્ટ પર હજારો કરોડનો દાવો ઠોકી શકે છે. ઓપનએઆઈ સામે અમેરિકામાં પહેલીવાર એક મોટા અખબારે આ કોપીરાઇટ કેસ દાખલ કર્યો છે. મેનહેટ્ટનની સંઘીય કોર્ટમાં આ કેસ ફાઈલ કરાયો હતો. જેમાં દાવો કરાયો છે કે અમે ભારે ખર્ચો કરીને વાંચકો માટે કન્ટેન્ટ બનાવીએ છીએ પણ ઓપનએઆઈ અને માઈક્રોસોફ્ટ તેનો ઉપયોગ નફો રળવા માટે કરે છે. આ સાથે અખબારના વાંચકો પણ ઘટી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 172 વર્ષ જૂનાં અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે એવો પણ દાવો કર્યો છે કે અમે આ મામલે ઓપનએઆઈ અને માઈક્રોસોફ્ટ સાથે કેસ ન કરવા અને ફાયદાનો સોદો કરવા પ્રયાસ કર્યા હતા પણ મંત્રણા નિષ્ફળ રહી. આ મામલે ઓપનએઆઈ અને માઈક્રોસોફ્ટે દાવો કર્યો હતો કે અમે કોપીરાઈટ કન્ટેન્ટથી અમારી એઆઈ પ્રોડક્ટ્સને ટ્રેનિંગ કરવા માટે ન્યાયને અનુરૂપ કાનૂની નીતિનું પાલન કરી રહ્યા છીએ. તે હેઠળ કોપીરાઈટ કન્ટેન્ટનો ઉપયોગ લાયસન્સ વિના પણ થઇ શકે છે.