આ વિદ્યાર્થીઓના મોત પાછળ કુદરતી કારણો, દુર્ઘટનાઓ સહિતના વિવિધ પરિબળો જવાબદાર
ઓટાવા
લાખો ભારતીય વિદ્યાર્થીઓ દુનિયાના જુદા જુદા દેશોમાં અભ્યાસ કરે છે અને આ પૈકી કેનેડામાં 2018 બાદ સૌથી વધારે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે.
જેના પર જસ્ટીન ટ્રુડોની સરકારે પણ ચિંતા વ્યક્ત કરીને કહ્યુ હતુ છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારવા માટે સરકાર પગલા ભરી રહી છે. 2024-25ના શૈક્ષણિક વર્ષની શરુઆત થાય તે પહેલા નવા નિર્ણયો લાગુ કરવાનુ લક્ષ્યાંક છે. આ માટે કેનેડાના વિવિધ રાજ્યોની સરકારો અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને કામ કરવાની જરુર છે.
એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં વિદેશોમાં 403 વિદ્યાર્થીઓના મોત થયા છે અને તેમાં સૌથી વધારે 91 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં મોતને ભેટયા છે. આ વિદ્યાર્થીઓના મોત પાછળ કુદરતી કારણો, દુર્ઘટનાઓ સહિતના વિવિધ પરિબળો જવાબદાર છે.
ભારતના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર કેનેડા બાદ બ્રિટનમાં 48, રશિયામાં 40, અમેરિકામાં 36 અને ઓસ્ટ્રેલિયામાં 35 વિદ્યાર્થીઓના મોત છેલ્લા પાંચ વર્ષમાં થયા છે.
વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે 2018 થી 2022 વચ્ચે 5.67 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયા છે અને આ જ સમયગાળામાં અમેરિકા અભ્યા્સ માટે ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 6.21 લાખ છે. આમ અમેરિકા બાદ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે બીજી પસંદ બન્યુ છે.