આ પહેલા ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી
કોલકાતા
પશ્ચિમ બંગાળમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા કથિત રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરી છે. આ પહેલા ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી હતી.
પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કથિત રાશન વિતરણ કૌભાંડમાં આજે સવારે બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરી છે. આ પહેલા ગઈકાલે આ કેસમાં શંકર આધ્યા અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા શેખ શાહજહાંના ઘર પર ઈડી અધિકારીઓ જ્યારે દરોડા પાડવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
ઈડીએ ગઈકાલે સાંજે શંકર આધ્યાના સાસરના ઘરેથી 8 લાખ 50 હજાર રૂપિયા રિકવર કર્યા હતા. બાદમાં અડધી રાત્રે કાર્યવાહી કરીને બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કોલકાતાના સીજીઓ કોમ્પ્લેક્સમાં લાવવામાં આવશે તેમજ આજે સવારે મેડિકલ તપાસ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમની ધરપકડ સમયે ભારે ભીડ જોવા મળી હતી. આ પહેલા ગઈકાલે સવારે ઈડીના અધિકારીઓ પર સરબેરિયા વિસ્તારમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ અને ટીએમસી નેતા શેખ શાહજહાંના સમર્થકોએ સીઆરપીએફ જવાનોની હાજરીમાં અધિકારીઓને માર મારવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી.