ઓએનજીસીના ક્લસ્ટર-2 તેલનું ઉત્પાદન નવેમ્બર 2021 સુધીમાં શરૂ થઈ જવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તેમાં વિલંબ થતો ગયો
નવી દિલ્હી
સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ડીપ વોટર બ્લોકથી તેલનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપની તરફથી માહિતી મળી છે કે ઓએનજીસીએ કેજી-ડીડબલ્યુએન-98/2 બ્લોકમાં ક્લસ્ટર-2 પ્રોજેક્ટથી ઉત્પાદન શરૂ કર્યું છે. પહેલા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ઓએનજીસીની આ મોટી ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું કે, આ ભારતની ઉર્જા યાત્રામાં એક ઉલ્લેખનીય પગલું છે અને આત્મનિર્ભર ભારતના આપણા મિશનને પ્રોત્સાહન આપશે. તેનાથી અમારી અર્થવ્યવસ્થાને પણ અનેક ફાયદા થશે.
ગઈકાલે સવારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઓએનજીસીની આ મોટી ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી અને જાણકારી સાર્વજનિક કરતું ટ્વીટ કર્યું હતું.
ઓએનજીસીના ક્લસ્ટર-2 તેલનું ઉત્પાદન નવેમ્બર 2021 સુધીમાં શરૂ થઈ જવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તેમાં વિલંબ થતો ગયો અને તે નવેમ્બર 2021ના બદલે જાન્યુઆરી 2024 સુધી આવીને શરૂ થઈ શક્યુ છે. ઓએનજીસી એ ક્લસ્ટર-2 તેલની પ્રથમ ડેડલાઈન મે 2023 શેડ્યૂલ કરી હતી. બાદમાં તેને લંબાવીને ઓગસ્ટ 2023, સપ્ટેમ્બર 2023, ઓક્ટોબર 2023 અને છેલ્લે ડિસેમ્બર 2023 કરવામાં આવી હતી. હવે આ કામ શરૂ થઈ ગયું છે અને તેલનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે.