બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ન તેમના અનુયાયીઓને પુનર્જન્મ મેળવવા માટે આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હોવાનું જાણવા મળ્યું
કોલંબો
ભારતના પડોસી દેશ શ્રીલંકામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં એક ધર્મગુરુ સહીત 7 લોકોએ પુનર્જન્મ મેળવવાની લાલસામાં આપધાત કર્યો હતો. 2 જાન્યુઆરીના રોજ પોલીસને એક પુરુષ અને એક મહિલાનો યક્કલા અને મહારાગામથી મૃતદેહ મળ્યો હતો. જે બાબતે પોલીસને શંકા હતી કે બંને એ ઝેર પીને આત્મહત્યા કરેલી છે. વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે બંને મૃતકોને 47 વર્ષીય બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ન પર શ્રદ્ધા હતી અને ધર્મગુરુ દ્વારા જ બંનેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ મામલાની વધુ તપાસની જવાબદારી હાલ પોલીસે સીઆઈડીને સોંપી છે. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ની આ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ન તેમના અનુયાયીઓને પુનર્જન્મ મેળવવા માટે આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હતા.
શ્રીલંકાના મહારાગામના ઓલ્ડ રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાંથી એક 34 વર્ષના પુરુષનો મૃતદેહ મળ્યો હતો. આ વ્યક્તિ થિવલાપુરાના અંબાલાંગોડા વિસ્તારનો રહેવાસી હતો. આ સિવાય એક 21 વર્ષીય મહિલાનો પણ યક્કાલા વિસ્તારના રફાલ વટ્ટામાં આવેલા તેના ઘરથી મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલા યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી.
28 ડિસેમ્બરે મહારાગામાના એક ગેસ્ટ હાઉસમાંથી બૌદ્ધ ધર્મગુરુ રુવાન પ્રસન્ના ગુણરત્નેકાનો મૃતદેહ મળ્યો હતો. તેના ત્રણ દિવસ બાદ એટલે કે 31 ડિસેમ્બરે ધર્મગુરુના 35 વર્ષીય પત્નીનો, બે પુત્રો અને પુત્રીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તમામ પરિવારજનોએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. તે પાછળનું કારણ પુનર્જન્મની લાલસા હતી.