મોદી પર ટીપ્પણી કરનારા મહમૂદ મજીદે એક્સ એકાઉન્ટ ડિલીટ કરી દીધું

માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે પણ મંત્રીની ટીપ્પણીની ભારે ટીકા કરી હતી


નવી દિલ્હી
માલદીવ્સ સરકારને હાથનું કર્યું હૈયે વાગી રહ્યું હોય તેમ આર્થિક સંકટ અને ભારતીયો તરફથી માલદીવ્સના બહિષ્કારનો ડર સતાવા લાગ્યો છે. આ સાથે ત્યાંની સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ત્રણ મંત્રીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મજબૂર થઇ ગઇ હતી. ચોતરફી ટીકાઓને પગલે મંત્રી મરિયમ શિઉના, માલશા શરીફ અને મહમૂદ મજીદને સસ્પેન્ડ કરી દેવાની ફરજ પડી હતી. જોકે ત્યારબાદ પણ ટીકાઓનો દોર યથાવત્ રહ્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર આ મંત્રીઓને ટેગ કરીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે, જેના કારણે હવે મહમૂદ મજીદે પોતાનું એક્સ એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું.
માલદીવ્સ સરકારના પ્રવક્તા મંત્રી ઈબ્રાહિમ ખલીલે જણાવ્યું હતું કે વિવાદીત ટિપ્પણીઓ માટે જવાબદાર ત્રણ મંત્રીઓને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે કહ્યું હતું કે માલદીવ્સ સરકારના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ જે ઘૃણાસ્પદ ભાષાનો ઉપયોગ કરાયો છે હું તેની ટીકા કરું છું. ભારત હંમેશા માલદીવ્સનો સારો મિત્ર રહ્યો છે અને આપણે આવી કઠોર ટિપ્પણીઓની આપણા બંને દેશો વચ્ચેની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર ન થવા દેવી જોઈએ.
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની પ્લાનિંગ કરવા અપીલ કરી હતી. જે બાદ માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે, તેમની ટ્વિટની ટીકા થતાં જ તેમણે પોસ્ટ ડીલીટ કરવાની ફરજ પડી હતી.

Total Visiters :114 Total: 1488017

By Admin

Leave a Reply