ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતીએ આ કાર્યક્રમને લઈને મોદી અને યોગી આદિત્યનાથ પર નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હી
ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ 22મી જાન્યુઆરીએ યોજાનાર છે જેને લઈને પૂરજોશમાં તૈયારી થઈ રહી છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ છે ત્યારે ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતીએ આ કાર્યક્રમને લઈને વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નારાજગી વ્યક્ત કરી છે.
રામમંદિરમાં રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જ્યાં એક તરફ વિરોધ પક્ષના નેતા દ્વારા નિવેદબાજી થઈ રહી છે ત્યારે હવે સાંધુ સંતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે જેમાં તેમણે અયોધ્યામાં આયોજિત રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મૂર્તિની શાસ્ત્રો અને વિધિઓ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ જેથી ભગવાનનો મૂર્તિમાં પ્રવેશ થઈ શકે છે, નહિંતર, મૂર્તિમાં ભૂત પ્રવેશ કરી શકે છે.
પ્રભુ શ્રી રામ વિશે વાત કરતા આગાળ તેમણે કહ્યું કે ભગવાન રામ પૂજનીય છે અને રામજીને ધર્મનિરપેક્ષ માનીને પ્રતિષ્ઠા ન થવી જોઈએ, આ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે આ કોઈ આંબેડકરની મૂર્તિની પ્રતિષ્ઠા નથી, ભગવાન રામને સનાતનીના અવતાર માનીને પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. તેમણે વડાપ્રધાન મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે મૂર્તિ સાથે છેડછાડ ન કરો. શંકરાચાર્યએ બંનેને સવાલ કરતા કહ્યું કે શું તેઓ અમને પડકારવા માટે વડાપ્રધાન કે મુખ્યમંત્રી બન્યા છે? ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જશે નહીં.