2021માં કેપ્ટન રહેલા કોહલી આ માટે ખાસ તૈયારીઓ પણ કરી હતી, તેણે આઈપીએલમાં ઓપનિંગ કર્યું હતું
નવી દિલ્હી
ભારત આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા અફઘાનિસ્તાન સામે છેલ્લી ટી20આઈ સીરિઝ રમશે. આ સીરિઝ પહેલા ભારતની ટી20 ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઇ છે. જો કે આ ટી20 વર્લ્ડ કપ પહેલા એક ચર્ચા શરુ થઇ છે કે આ વર્લ્ડકપમાં રોહિત શર્માની સાથે વિરાટ કોહલી ભારતીય ઇનિંગની શરૂઆત કરી શકે છે.
વર્ષ 2021 અને 2022ના ટી20 વર્લ્ડ કપ પહેલા એવી ઘણી ચર્ચા હતી કે કોહલી રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે. વર્ષ 2021માં કેપ્ટન રહેલા કોહલી આ માટે ખાસ તૈયારીઓ પણ કરી હતી. તેણે આઈપીએલમાં ઓપનિંગ કર્યું હતું. આ ઉપરાંત તેણે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટીT20આઈ સીરિઝમાં રોહિત સાથે ઓપનિંગ પણ કર્યું હતું. વિરાટ કોહલીનો ટી20આઈમાં ઓપનર તરીકે શાનદાર રેકોર્ડ રહ્યો છે. તેણે અત્યાર સુધી ભારત માટે ઇનિંગની શરૂઆત કરતા 9 ઇનિંગ્સમાં 57.14ની એવરેજ અને 161.29ની સ્ટ્રાઈક રેટથી 400 રન બનાવ્યા છે. જેમાં તેણે ત્રણ વખત 50થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 122 રનનો છે.
વિરાટે ટી20માં ભારત માટે અત્યાર સુધી રાહુલ અને રોહિત સહિત 5 બેટ્સમેનો સાથે ઓપનિંગ કર્યું છે. રાહુલ અને વિરાટે અત્યાર સુધી 5 ઇનિંગ્સમાં 209 રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. જેમાં એક 100 રનની ભાગીદારી પણ સામેલ છે. જયારે રોહિત સાથે વિરાટે માત્ર એક વખત ઓપનિંગ કર્યું છે. ઇંગ્લેન્ડ સામેની આ ટી20આઈ મેચમાં બંને ખેલાડીઓએ 94 રનની ભાગીદારી કરી હતી.
આ ઉપરાંત વિરાટે શિખર ધવન, ગૌતમ ગંભીર અને મુરલી વિજય સાથે પણ ઓપનિંગ કર્યું છે. વિરાટે ધવન સાથે 64 રન, ગંભીર સાથે 26 રન અને વિજય સાથે 18 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. IPLમાં ઓપનિંગ કરતી વખતે વિરાટે 98 ઈનિંગ્સ રમી છે. જેમાં તે 15 વખત અણનમ રહ્યો છે. આ દરમિયાન તેણે 43.51ની એવરેજ અને 135.45ની સ્ટ્રાઈક રેટથી 3611 રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 26 ફિફ્ટી સામેલ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ અફઘાનિસ્તાન સામે આ જોડીને ઓપનિંગ માટે પસંદ કરી શકે છે.
વિરાટ અને રોહિત જો ઓપનિંગ કરે છે તો વિપક્ષી ટીમ દબાણમાં આવી શકે છે. જો કે આનું એક નુકસાન એ પણ છે ભારતીય ટીમના મિડલ ઓર્ડરમાં અનુભવી બેટ્સમેનનો અભાવ હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્લ્ડકપ આ બંને ખેલાડીઓનું છેલ્લું વર્લ્ડકપ હશે. આવી સ્થિતિમાં બંને અનુભવી ખેલાડીઓને અફઘાનિસ્તાન સામે આગામી ટી20આઈ સીરિઝમાં ઓપનિંગમાં ટીમને એક મજબૂત શરૂઆત આપવાની જવાબદારી લેતા જોઈ શકાય છે.