કોંગ્રેસનું મગજ બિલ્કુલ એવી રીતે જ ખરાબ થઈ ગયુ છે જેવું ત્રેતાયુગમાં રાવણનું થઈ ગયું હતુઃ ભાજપના નેતાઓનો કટાક્ષ
નવી દિલ્હી
કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના કોઈપણ નેતા સામેલ નહીં થશે. કોંગ્રેસ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણને ઠુકરાવી દેવા બદલ સંત સમાજે તેમની ટીકા કરી છે. કોંગ્રેસ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કરવા પર રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ પ્રતિક્રિયા આપી છે.
આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, જે પ્રભુના કાર્યક્રમમાં આવવાનું છે તેમને તેમણે પહેલા જ નકારી દીધા છે કે, ત્યાં ભગવાનનું કોઈ અસ્તિત્વ નથી અને જો આવી સ્થિતિમાં તેઓ અહીં આવશે તો લોકો સવાલ કરશે કે, જેમનું કોઈ અસ્તિત્વ જ નથી તો તમે કોને જાવા માટે ગયા હતા? એટલા માટે તેમને વધારે શરમમાં મૂકાવું પડત. શરમમાં ન મૂકાવું પડે એટલા માટે આરોપ લગાવી દીધો કે, રાજનીતિના કારણે, સત્તા માટે આ અનુષ્ઠાન કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ પણ વિપક્ષી પાર્ટીની ટીકા કરી અને કહ્યું કે તેમનું મગજ બિલ્કુલ એવી રીતે જ ખરાબ થઈ ગયુ છે જેવું ત્રેતાયુગમાં રાવણનું થઈ ગયુ હતું. યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય બીજેપી નેતાઓએ આ મામલે કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી છે.
કોંગ્રેસે બુધવારે એલાન કર્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને ‘સન્માનપૂર્વક અસ્વીકાર’ કર્યો છે. પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ તેને ચૂંટણી લાભ માટે ‘રાજકીય પ્રોજેક્ટ’ બનાવી દીધો છે.