સિંગાપુર પહેલેથી તાઈવાનના જવાનોની પોલીસ ફોર્સમાં ભરતી કરતુ રહ્યુ છે હવે ભારત સહિતના વિદેશીઓને પણ તક મળશે
સિંગાપુર
સિંગાપુરની સરકાર આસિસટન્ટ પોલીસ ઓફિસર તરીકે બીજા દેશોના યુવાનોની ભરતી કરવા માટે વિચારણા કરી રહી છે અને આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
સિંગાપુરના હોમ મિનિસ્ટર કે શનમુગમે કહ્યુ હતુ કે, સિંગાપુર પહેલેથી તાઈવાનના જવાનોની પોલીસ ફોર્સમાં ભરતી કરતુ રહ્યુ છે પણ ત્યાંના યુવાનોની સંખ્યામાં હવે ઘટાડો થઈ રહ્યો હોવાથી અમે બીજા દેશો તરફ નજર દોડાવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટમાં હોમ મિનિસ્ટરને ટાંકીને કહેવાયુ છે કે, અન્ય દેશોમાં ચીન, ભારત, ફિલિપાઈન્સ, મ્યાનમાર જેવા દેશોનો સમાવેશ થાય છે.સિંગાપુર પોલીસની જરુરિયાતને જોતા વિદેશી યુવાનોની પોલીસમાં ભરતી કરવાની જરુર છે.સિંગાપુરમાં લોકોને પોલીસ ફોર્સમાં નોકરી કરવામાં ઓછો રસ છે.ઉપરાંત શારીરિક ફિટનેસનો પણ મુદ્દો મહત્વનો છે.જેના કારણે સિંગાપુરની પોલીસમાં કામ કરનારાની પૂરતી સંખ્યા જાળવી રાખવાનુ કામ પડકારજનક છે.
હોમ મિનિસ્ટર શનમુગમે સિંગાપુરની સંસદમાં એક સવાલના જવાબમાં ઉપરોક્ત નિવેદન આપ્યુ હતુ.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, સિંગાપુર દ્વારા 2017થી તાઈવાનના યુવાનોની આસિસટન્ટ પોલીસ ઓફિસર તરીકે ભરતી થતી આવી છે પણ તાઈવાનના યુવાનોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, સિંગાપુરમાં આસિસટન્ટ પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવનારાઓમાં 32 ટકા અધિકારીઓ મલેશિયા અને તાઈવાનના હતા.અન્ય દેશોના યુવાનોને હથિયારો આપવા બાબતે તેમણે જવાબ આપ્યો હતો કે, તેમને બહુ જુજ કેસમાં હથિયારો આપવામાં આવે છે અને આ માટે પણ આકરી તાલીમ આપવાની સાથે સાથે ઉપરી અધિકારીઓ દ્વારા તેમના પર નજર રાખવામાં આવતી હોય છે.