2027 સુધીમાં સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યાર પછી સેનામાં અંદાજિત એક લાખ લોકો ઓછા થઈ જશે
નવી દિલ્હી
ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ આજે દેશની સરહદોની પરિસ્થિતિ અંગે મહત્ત્વની માહિતી આપી હતી. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, ‘છેલ્લા 5-6 મહિનામાં રાજોરી અને પૂંછમાં સ્થિતિ અને આતંકવાદી ગતિવિધિ અમારા માટે ચિંતાનો વિષય રહી છે. ઉત્તર ભારતની સરહદો પર સ્થિતિ યથાવત્ છે, પરંતુ સંવેદનશીલ છે.’
મીડિયાને સંબોધન આપતા સેના વડાએ કહ્યું કે, ‘વર્ષ 2027 સુધીમાં સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યાર પછી સેનામાં અંદાજિત એક લાખ લોકો ઓછા થઈ જશે. મેં સેનામાં એનિમલ ટ્રાન્સપોર્ટ ઓછું કરી દીધું છે, હવે તેની જગ્યા ડ્રોને લઈ લીધી છે. અગ્નિપથ હેઠળ આવેલા અગ્નિવીરોની બે બેચ ફિલ્ડમાં તહેનાત કરી દેવાઈ છે. તેમનો ફિડબેક પણ ઘણો ઉત્સાહજનક છે.’
જમ્મુ કાશ્મીર મુદ્દે સેના વડાએ કહ્યું કે ‘જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. રાજૌરી, પૂંછ સહિતના વિસ્તારોમાં ખાસ કરીને આતંકવાદીઓની ગતિવિધિ વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. આ સંવેદનશીલ વિસ્તારોમાં સેના સ્થાનિક પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને સારી રીતે સંવાદ સાધવાનું કામ કરી રહી છે.’
સેના વડાએ કહ્યું કે, ‘એક વર્ષમાં પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસા અને અન્ય મુદ્દે ઘણું ઊંડાણપૂર્વક કામ કરાઈ રહ્યું છે, જેના સારા પરિણામ મળ્યા છે. અહીંના સંવેદનશીલ વિસ્તારો પર અમારી ઝીણવટપૂર્વકની નજર છે.’
ચીન સરહદ અંગે તેમણે કહ્યું કે, ‘ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સ્થિતિ યથાવત્ છે. આમ છતાં અમે માની રહ્યા છીએ કે આ મુદ્દો સંવેદનશીલ છે અને સેના તેના પર ચાંપતી નજર રાખી રહી છે.’
મ્યાંમારની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે, ‘મ્યાંમારની સ્થિતિ અમારા માટે ચિંતાનો વિષય છે. અમે ત્યાં થતી ગતિવિધિ પર પણ ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ. મ્યાંમાર સેનાના 416 જવાન સરહદ પાર કરી ચૂક્યા છે.’
આ દરમિયાન તેમણે અન્ય કાર્યક્રમો અંગે કહ્યું કે ‘આ વર્ષે 15 જાન્યુઆરીએ લખનઉમાં પહેલીવાર 76માં સેના દિવસ પરેડનું આયોજન કરાશે, પરંતુ આ પહેલા કેટલાક કાર્યક્રમ યોજાશે. આ તમામ કાર્યક્રમમાં સામાન્ય પ્રજા પણ આવી શકશે. 14 જાન્યુઆરીએ સૈન્ય બેન્ડ સંગીત કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન સેના દિવસ પરેડનું રિહર્સલ અને શૌર્ય સંધ્યા કાર્યક્રમ થશે.’
આ સિવાય પૂર્વ સેના પ્રમુખ જનરલ નરવણેએ અગ્નિપથને લઈને પોતાના પુસ્તકમાં કેટલાક મુદ્દા છેડ્યા છે. આ અંગે સેના વડાએ કહ્યું કે ‘યુનિટ પરથી પોઝિટિવ ફીડબેક છે. તેમણે જે કહ્યું તેના પર મારું કંઈ કહેવું યોગ્ય નથી, પરંતુ અગ્નિપથનું ફાઈનલ સ્ટ્રક્ચર સમગ્ર ચર્ચા બાદ સામે આવ્યું. તેમાં તમામ બાબતો ધ્યાનમાં રખાઈ છે.’
સેના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?
– સેના ડ્રોન ટેક્નોલોજી અને એન્ટિ ડ્રોન ટેક્નોલોજીનો સારો ઉપયોગ કરે છે.
– સેનામાં 120 મહિલા અધિકારી તહેનાત કરાઈ છે, જે સારી રીતે ફરજ નિભાવે છે.
– સેના એચઆર પોલિસી અને અગ્નિવીર યોજના પર કામ કરી રહી છે.
– અગ્નિવીર ખૂબ જ સારું અને ઊર્જાવાન રીતે કામ કરે છે.
– યુવા જવાનોની ભરતી પ્રક્રિયામાં ઘણાં સકારાત્મક રીતે વધુ સારા ફેરફાર કર્યા.
– સાયબર સિક્યોરિટી વિંગ તમામ કમાન્ડ હેડક્વોર્ટરમાં હશે.
– ટેરિટોરિયલ આર્મીમાં અમે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ પણ સામેલ કરીશું.