અમેરિકા અને યૂકેના હુમલા બાદ હૂથીઓએ પણ યુદ્ધનું એલાન કરતા જવાબી હુમલા શરૂ કરી દીધા, સાઉદીની સંયમની સલાહ
વોશિંગ્ટન
અમેરિકા અને યુકેની સેનાએ યમનમાં હૂથી વિદ્રોહીઓના ઠેકાણા પર હુમલા શરૂ કર્યા છે. જેના પર હૂથી વિદ્રોહીઓએ અમેરિકા અને યૂકેને ચેતવણી આપતા કહ્યુ છે કે આ આક્રમકતાની તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. મહત્વનું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને સ્પષ્ટ કર્યુ હતું કે આ હુમલા હૂથી વિદ્રોહીઓને પાઠ ભણાવવા માટે છે. અમેરિકાએ રાતા સમુદ્રથી પસાર થનારા જહાજોને નિશાન બનાવવાની જવાબી કાર્યવાહી ગણાવી છે.
અમેરિકા અને યૂકેના હુમલા બાદ હૂથીઓએ પણ યુદ્ધનું એલાન કરતા જવાબી હુમલા શરૂ કરી દીધા છે. શુક્રવારે હૂતી નાયબ વિદેશ મંત્રી હુસૈન અલ-એજીએ કહ્યુ કે યમન પર હુમલાના અમેરિકા અને બ્રિટને ગંભીર પરિણામ ભોગવવા પડશે. હૂથી વિદ્રોહીઓના અધિકારીએ કહ્યુ કે અમેરિકી અને યૂકેની સેનાએ મોટા પાયે આક્રમક હુમલો કર્યો છે. જેનો અમે જડબાતોડ જવાબ આપીશુ. તો બીજી બાજુ આ સંઘર્ષની વચ્ચે સાઉદી અરબે હૂથી સંગઠનને સંયમ રાખવાની સલાહ આપી છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડની જાણકારી અનુસાર ગુરૂવારે રાત્રે લગભગ 2.30 મિનિટ પર ગઠબંધન દેશોની મદદથી અમેરિકી સેનાએ હૂથી સંગઠનના ઠેકાણા પર હુમલા કર્યા. આ હુમલામાં હૂથીઓની રડાર સિસ્ટમ, એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયારોના ભંડારોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકાનો દાવો છે કે ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહોએ ગયા વર્ષે 17 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી રાતા સમદ્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો પર 27 જહાજો પર હુમલા કર્યા છે. દરમિયાન આ હુમલા રાતા સમુદ્ર પર હૂથીઓના વધતા હુમલાનો જવાબ છે.
અમેરિકાએ સ્પષ્ટ કરી દીધુ કે જો હૂથી રાતા સમુદ્રમાં જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે તો યમનમાં વધુ હુમલા કરવામાં આવશે. જેના સામે હૂથીઓએ પણ જવાબી કાર્યવાહી કરવાનું એલાન કર્યું છે.