મંત્રાલય સરળ લોન આપવાના નામે લોકોને છેતરવા બદલ 665 કંપનીઓની સામે તપાસ કરી રહ્યું છે જેમાં ચાઇનીઝ લોન એપ કંપનીઓ પણ સામેલ છે
નવી દિલ્હી
ભારત સરકાર ચાઇનીઝ લોન એપ કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે, જેમાં ચાઇનીઝ લોન એપ કંપનીઓનું રજીસ્ટ્રેશન રદ કરી શકે છે તેમજ જો તપાસમાં છેતરપિંડી સાબિત થશે તો તે ખાતાને ફ્રીઝ પણ કરી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
આ મામલે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયની ટીમ તેમનો પ્રાથમિક રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપી રહી છે. આ ટીમો દ્વારા ગત વર્ષે ઘણી ચાઇનીઝ લોન કંપનીઓની ઓફિસો પર દરોડા પાડ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આને લઈને તપાસ રિપોર્ટને આખરી ઓપ આપી રહી છે. મંત્રાલય સરળ લોન આપવાના નામે લોકોને છેતરવા બદલ 665 કંપનીઓની સામે તપાસ કરી રહ્યું છે જેમાં ચાઇનીઝ લોન એપ કંપનીઓ પણ સામેલ છે. અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ચીનની લોન એપ્સ સામે પગલાં લેવા વિચાર કરી શકે છે, જેમાં ફંડને ફ્રીઝ કરવું અને તેમનું રજીસ્ટ્રેશન રદ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. કંપની એક્ટની કલમ 447 છેતરપિંડી સંબંધિત સજા સાથે જોડાયેલી છે જેમાં છેતરપિંડીમાં સામેલ રકમ કરતાં ત્રણ ગણો દંડ લગાવી શકાય છે.
ચાઇનીઝ લોન એપ કંપનીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મની લોન્ડરિંગ મામલે પણ તપાસ કરી રહી છે અને એવું કહેવાય છે કે લોન એપ કંપનીઓએ નકલી લોન ઓફર દ્વારા પૈસા પડાવવા માટે નેટવર્ક બનાવ્યું છે જેમાં ઘણા લોકો આ લોન એપની જાળમાં ફસાઈ ગયા છે અને મોટી છેતરપિંડીનો શિકાર થયા છે.