ભલે છોકરીઓ કોઈ પણ ધર્મ કે ગમે તે ઉંમરની હોય દેશના ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પરિવારજનોએ તેને ગુજરાન ભથ્થું આપવું જ પડશે
અલ્હાબાદ
અલ્હાબાદ હાઈકોર્ટ અવિવાહિત છોકરીઓ માટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટ પોતાના એક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, અવિવાહિત છોકરીઓ પણ માતા-પિતા દ્વારા ગુજરાન ભથ્થાંની હકદાર છે. કોર્ટે પોતાના આદેશમાં એ પણ કહ્યું કે, ભલે છોકરીઓ કોઈ પણ ધર્મ કે ગમે તે ઉંમરની હોય દેશના ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પરિવારજનોએ તેને ગુજરાન ભથ્થું આપવું જ પડશે.
આ મામલો ત્રણ બહેનોનો છે. આ ત્રણેય બહેનોનો આરોપ હતો કે, તેમના પિતા અને તેમની સાવકી માતા તેમની સાથે ઘરેલુ હિંસા આચરતી હતી. હાઈકોર્ટ પહેલા આ મામલો નીચલી આદાલતમાં પહોંચ્યો હતો. જ્યાં નીચલી અદાલતે માતા-પિતાને ત્રણેય છોકરીઓને ગુજરાન ભથ્થાં આપવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. નીચલી આદાલતના આ આદેશને છોકરીઓના પિતા નઈમુલ્લાહ શેખએ અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો જેને હવે હાઈકોર્ટે ફગાવી દીધો છે. હાઈકોર્ટના આ આદેશથી હવે આ પ્રકારના અન્ય કેસોની સુનાવણી અને નિર્ણયો ઝડપથી આવશે.
સુનાવણી દરમિયાન છોકરીઓના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેમના પિતા અને સાવકી માતા તેમની સાથે ઘરેલુ હિંસા કરતા હતા. તેઓ તેમની સાથે અપશબ્દોનો ઉપયોગ પણ કરે છે અને મારપીટ પણ કરે છે. આ બધાથી ત્રણેય બહેનો પરેશાન છે. આવી સ્થિતિમાં તેમના પિતાએ તેમની જવાબદારી નિભાવવી જોઈએ અને તેમને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ગુજરાન ભથ્થું આપવું જોઈએ. બીજી તરફ છોકરીના પિતા વતી કોર્ટમાં હાજર વકીલે દલીલ કરી હતી કે, ત્રણેય છોકરીઓ પુખ્ત છે. એટલું જ નહીં તેઓ નોકરી કરે છે અને પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકે છે. આવી સ્થિતિમાં નીચલી અદાલતનો નિર્દેશ કે માતા-પિતા તેમને અમુક પ્રકારનું ગુજરાન ભથ્થું આપે તે માન્ય નથી અને તેને ફગાવી દેવો જોઈએ.