ઘટનાનો વીડિયો બનાવનારને પણ ટીટીઈએ અપશબ્દો કહ્યા, મોબાઈલ છીનવવા પ્રયાસ કર્યો
નવી દિલ્હી
ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલાંક લોકો ટિકિટ લીધા વિના યાત્રા કરતા હોય છે, જો કે તેઓ દંડ પણ ચુકવે છે. પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેનો જોઇને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક ટીટીઈ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને થપ્પડ મારતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો બરૌની-લખનઉ એક્સપ્રેસનો છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મુસાફર પાસેથી ટીટીઈ ટિકિટ માંગે છે અને તેની સાથે તેને મારી પણ રહ્યો છે. ઘણાં લોકો ટીટીઈને કહે છે કે, “સર, છોડી દો.” એક મુસાફર ટીટીઈને કહેતો પણ સંભળાઈ રહ્યો છે કે, “તમે મારી કેમ રહ્યા છો ?” જો કે ટીટીઈ તમામ લોકોની વાતોની અવગણના કરીને વ્યક્તિને થપ્પડ મારતો મારતો રહે છે.
એક મુસાફર જયારે આ ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયત્ન કર્યો તો ટીટીઈ તેનો મોબાઈલ ફોન છીનવાનો પણ પ્રયત્ન કરે છે. વીડિયો બનાવી રહેલા મુસાફરને ઘણાં અપશબ્દો કહ્યાં હતા. જ્યારે વીડિયો બનાવનાર વ્યક્તિએ પોતાનો પરિચય એક પત્રકાર તરીકે આપ્યો, ત્યારે ટીટીઈ તેને તેના વ્યવસાય અંગે પણ અપશબ્દો કહ્યાં હતા.