પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં એક વીજપોલ પર પણ ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા મળી આવ્યા,એફઆઈઆર નોંધાઈ
નવી દિલ્હી
દિલ્હીના ઉત્તમ નગરના હસ્તાલ વિસ્તારમાં એક સરકારી શાળાની દીવાલ પર ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. આ અંગેની માહિતી પોલીસે આપતા જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં એક વીજપોલ પર પણ ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા મળી આવ્યા હતા.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે મંગળવારે એફઆઈઆરનોંધવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક અજાણ્યા વ્યક્તિએ શાળાની દીવાલ પર “એસજેએફ, 26 જાન્યુઆરી, ખાલિસ્તાન” લખેલું ભિતચિત્ર બનાવ્યું હતું. સપ્ટેમ્બરમાં આવી જ એક ઘટનામાં, ઉત્તર દિલ્હીમાં કાશ્મીરી ગેટ પરના ફ્લાયઓવરને ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખવામાં આવ્યા હતા, જેના પગલે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે “જે વિસ્તારમાં આ સૂત્રો લખેલા છે તે ખૂબ જ નિર્જન છે અને ભાગ્યે જ કોઈ ત્યાં જાય છે ત્યારે અમને શંકા છે કે વ્યક્તિએ સોમવારે રાત્રે આ સૂત્રો લખ્યા હશે.” આ સિવાય તેમણે કહ્યું કે ”અમારા કર્મચારીઓને એક વીડિયો દ્વારા આ બાબતની જાણ થઈ હતી અને આ મામલે મંગળવારે કેસ નોંધવામાં આવ્યો હતો.