બોર્ડે કોહલીના નિર્ણયનું સન્માન કરતા તેને બે ટેસ્ટમાંથી મુક્તી આપી
નવી દિલ્હી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ ટેસ્ટ સીરિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલી પણ સામેલ હતો. જો કે હવે ભારતીય ટીમના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ બે ટેસ્ટ મેચથી કોહલીએ અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ માહિતી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવી હતી.
બીસીસીઆઈના જણાવ્યા મુજબ, “અંગત કારણોને ટાંકીને વિરાટ કોહલીએ બીસીસીઆઈને ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવા વિનંતી કરી છે. વિરાટે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી અને ભારપૂર્વક જણાવ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અમુક વ્યક્તિગત સંજોગો તેની હાજરી પર અવિભાજિત ધ્યાન આપવાની માંગ કરે છે.”
બીસીસીઆઈ વધુમાં કહ્યું, “બોર્ડ તેના નિર્ણયનું સન્માન કરે છે. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીને પોતાનું સમર્થન આપ્યું છે અને ટીમના બાકી ખેલાડીઓ પાસેથી ટેસ્ટ સીરિઝમાં સરાહનીય પ્રદર્શનની આશા વ્યક્ત કરે છે.”
બીસીસીઆઈ તેના નિવેદનમાં કહ્યું, “બીસીસીઆઈ, મીડિયા અને પ્રશંસકોને આગ્રહ કરે છે કે તે વિરાટ કોહલીની પ્રાઈવેસીનું સન્માન કરે અને તેના અંગત કારણોના પ્રકાર પર અનુમાન ન કરે. આગામી ટેસ્ટ સીરિઝમાં ખેલાડીઓના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવો જોઈએ. ટૂંક સમયમાં વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટનું એલાન કરવામાં આવશે.”