આગામી વર્ષોમાં અયોધ્યા માત્ર રામ મંદિર માટે નહીં પરંતુ એક વિશાળ આધ્યાત્મિક ટુરિસ્ટ હબ તરીકે જાણીતું બનશે
અયોધ્યા
અયોધ્યામાં એક ભવ્ય કાર્યક્રમમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જોકે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કામ આટલેથી પૂર્ણ થતું નથી. રામ જન્મભૂમિ ટ્રસ્ટ હજુ બીજા 13 મંદિરો માટે પણ મોટા પ્લાન ધરાવે છે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગુરુદેવ ગિરિજીએ જણાવ્યું કે મુખ્ય મંદિરના નિર્માણનું કામ હજુ ચાલુ છે અને બીજા ઘણા પ્રોજેક્ટ પાર પાડવાના છે.
આગામી વર્ષોમાં અયોધ્યા માત્ર રામ મંદિર માટે નહીં પરંતુ એક વિશાળ આધ્યાત્મિક ટુરિસ્ટ હબ તરીકે જાણીતું બનશે. તેના માટે ઓછામાં ઓછા 13 નવા મંદિરોનું નિર્માણ કરવામાં આવશે. તેમાંથી છ મંદિર રામ જન્મભૂમિના વિશાળ કોમ્પ્લેક્સની અંદર બનશે જ્યારે સાત મંદિર આ કોમ્પ્લેક્સની બહાર બનાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ જે મુખ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેમાં માત્ર પ્રથમ ફ્લોર છે. હજુ બીજા ફ્લોરનું બાંધકામ ચાલુ છે. ત્યાર પછી શિખર ચઢાવવામાં આવશે. રામ પરિવારના પાંચ મહત્ત્વના મંદિરો બનવાના છે અને તેનું કામ બાકી છે. ભગવાન શ્રી રામને વિષ્ણુના અવતાર ગણવામાં આવે છે. તેથી આ મંદિરના પ્રાંગણમાં જ ભગવાન ગણપતિ, શિવ, સૂર્ય અને જગદંબાના મંદિરો પણ બનાવવામાં આવશે. મુખ્યમંદિરના ચારેય ખૂણા પર આ મંદિરો બનાવવામાં આવશે. આ ઉપરાંત ભગવાન શ્રી રામના પરમભક્ત હનુમાન માટે પણ એક મંદિર બનાવવાની યોજના છે.
આ મંદિરો માટે કામ ચાલુ છે અને મૂર્તિઓ પણ સ્થાપિત કરી દેવાઈ છે. હાલમાં તેને પોલિશ કરવાનું અને ફિનિશિંગ ટચ આપવાનું કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત રામજન્મભૂમિ તીર્થના બીજા કેટલાક આયોજન પણ છે. જે મુજબ સીતા તીર્થ નજીક દેવી અન્નપૂર્ણાનું એક મંદિર બનાવવામાં આવશે. મુખ્ય મંદિરના વિશાળ કોમ્પ્લેક્સની બહાર એક મોટી જગ્યા પર સાત મંદિરો બનાવવામાં આવશે. અહીં સંત વાલ્મિકી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, દેવી શબરી અને રામ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર જટાયુના મંદિરો બનશે.
આ દરમિયાન રામ મંદિરને સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું તેનો આજે બીજો દિવસ છે. ગઈકાલે આશરે ચાર લાખ ભાવિકો દર્શન માટે આવ્યા હતા જેના માટે વ્યવસ્થા ઓછી પડી હતી અને અંધાધૂંધી થઈ હતી. આજે પણ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવી પહોંચ્યા છે. વ્યવસ્થાપકોએ લોકોને અપીલ કરી છે કે અયોધ્યાની મુલાકાત થોડા દિવસો માટે મોકુફ રાખવામાં આવે અને ભીડ ઘટે ત્યારે જ અયોધ્યા આવે.