ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં 2-3 ડીગ્રી તાપમાન વધશે

ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી, પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી રાહત મળશે


અમદાવાદ
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. જો કે રાજ્યમાં હાલમાં જે પ્રમાણે ઠંડી પડવી જોઈએ તેટલી નથી પડી રહી. લોકોને વહેલી સવારમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે હવામાન સામાન્ય થઈ જાય છે. એવામાં હવામાન વિભાગે નવી આગાહી પ્રમાણ આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય. તેમજ રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. તો બીજી બાજુ એક હવામાન નિષ્ણાતે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન કેન્દ્ર અમદાવાદના અધિકારીએ કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. તેમજ આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે,તે બાદ રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા દર્શાવી છે. પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી રાહત મળશે.
એક હવામાન નિષ્ણાતે રાજ્યના હવામાનને લઈને કહ્યું છે કે, આગામી દિવસોમાં દેશમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના દર્શાવી છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો, કમોસમી વરસાદ અને દેશના ઉત્તર પર્વતિય પ્રદેશો જેમા પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન સહિતના ભાગોમાં તેની અસર થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમજ ગુજરાતના વાતાવરણ બાબતે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમજ લઘુતમ તાપમાન વધી શકે છે અને ઠંડી ઓછી થઈ શકે છે.
ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. જેથી કરીને રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. રાજયનાં 15 શહેરોનું તાપમાન 15 ડિગ્રી નીચે પહોચી ગયું છે. રાજ્યના છેડે આવેલ નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે રાજ્યમાં ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.

Total Visiters :225 Total: 1487828

By Admin

Leave a Reply