અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક સ્થળેથી નાસી ગયો હતો, બંને વાહન કેમ અથડાયા તેનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી
શાહજહાંપુર
ઉત્તરપ્રદેશમાં ભારે ઠંડી વચ્ચે ધુમ્મસની સ્થિતિ હવે જીવલેણ બની રહી છે. શાહજહાંપુરમાં બેફામ ડમ્પર ચાલકે એક રીક્ષાને ટક્કર મારતા 12 શ્રદ્ધાળુઓનાં કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. આ લોકો મદનાપુરના દમગઢા ગામથી ગંગા સ્નાન કરવા માટે ઢાઈ ઘાટ જઇ રહ્યા હતા. તે સમયે જ આ અકસ્માત સર્જાયો હતો.
આ મામલે શાહજહાંપુરના એસ.પી. અશોક કુમાર મીણાએ કહ્યું કે રીક્ષાચાલક સુરેશ ગામના શ્રદ્ધાળુઓને લઈ જઈ રહ્યો હતો. જેમાં 3 મહિલાઓ અને એક બાળક પણ સામેલ હતું. અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક સ્થળેથી નાસી ગયો હતો. જોકે બંને વાહન કેમ અથડાયા તેનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી. દુર્ઘટનાસ્થળે કોઈ બ્લેકસ્પૉટ કે રોડ પર ખાડા પણ નથી. બની શકે કે બેફામ ગતિએ દોડી રહેલા ડમ્પરને કારણે જ આ અકસ્માત સર્જાયો હોય.
શાહજહાંપુર દુર્ઘટના વિશે ખુદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે દુર્ઘટનાના આરોપી ટ્રક ડ્રાઈવરની જલદી ધરપકડ કરી લેવાશે. તેની સામે કડક કાર્યવાહી કરાશે.