વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું

Spread the love

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકરને મળીને રાજીનામું સોંપી દીધું


ગાંધીનગર
લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યમાં આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ છે. વડોદરાની વાઘોડીયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકરને મળીને રાજીનામું સોંપી દીધું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ ફરીથી ભાજપમાં જોડાઈ શકે છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ધર્મેન્દ્રસિંહે બળવો કર્યો હતો. તેમણે વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં તેમનો વિજય થયો હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામું આપતા હવે આ બેઠક પરથી ફરી પેટા ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જ હતા ત્યારે હવે ફરીથી ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે.

Total Visiters :116 Total: 1479753

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *