જાન્યુઆરી 2022 માં ભારત અને ફિલિપિન્સ વચ્ચે 375 મિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર થયા હતા જે અંતર્ગત ડિલિવરી કરાશે
નવી દિલ્હી
ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં ટૂંક સમયમાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) ના ચેરમેન ડો. સમીર વી. કામતે જણાવ્યું હતું કે, ભારત આ વર્ષે માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની નિકાસ શરૂ કરશે.
ડીઆરડીઓ ચેરમેન ડો. સમીર વી. કામતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની નિકાસને લઈને મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, ડીઆરડીઓ આગામી 10 દિવસમાં આ બ્રહ્મોસ મિસાઈલની ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ શરૂ કરશે. આટલું જ નહીં, ડીઆરડીઓ દ્વારા ભારતીય સેના માટે ડીઝાઇન કરેલી અને ખાનગી કંપની દ્વારા ઉત્પાદિત 307 ‘એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ’ (એટીએજીએસ) બંદૂકોનો ઓર્ડર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં મળી શકે છે.
જાન્યુઆરી 2022 માં ભારત અને ફિલિપિન્સ વચ્ચે 375 મિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર થયા હતા. આ ઓર્ડર અંતર્ગત ફિલિપિન્સને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ પહોંચાડવામાં આવશે. 290 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલની નિકાસનો ભારત પાસે આ પહેલો ઓર્ડર છે. આ ડીલ હેઠળ બે વર્ષમાં એન્ટી શિપ વર્ઝનની ત્રણ મિસાઈલ બેટરીની નિકાસ થવાની છે. જેમાં ફિલિપિન્સને પહેલીવાર નિકાસ કરવામાં આવશે. આ સિવાય ઈન્ડોનેશિયા, વિયેતનામ જેવા દક્ષિણ એશિયાના ઘણા દેશોએ પણ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવામાં રસ દાખવ્યો છે. જે બાબતે ગયા વર્ષે એવા સમાચારો પણ સામે આવ્યા હતા કે બ્રહ્મોસ મિસાઇલ માટે વિયેતનામ ભારત સાથે 625 મિલિયન ડોલરની ડીલ કરવા માંગે છે.