આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ વધી ગઈ છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે, જેમને ડીએચક્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો. સરકારી એજન્સીએ કહ્યું કે પોલીસે જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, વિસ્ફોટક સામગ્રી એક શોપિંગ બેગમાં રાખવામાં આવી હતી. ચૂંટણી પંચે આ મામલે જિલ્લા મોનિટરિંગ ઓફિસર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) દક્ષિણ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 30મી જાન્યુઆરીએ બોંબ વિસ્ફોટમાં 4 લોકોના મોત થયા હતા. મૃતકમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ત્રણ કાર્યકર્તાનો પણ હતા. આ વિસ્ફોટ ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા સંભળાવ્યાના થોડા કલાકો બાદ પાર્ટી દ્વારા આયોજીત એક રેલી દરમિયાન થયો હતો.