યુએસની કોલેજોમાં 2030 સુધીમાં ભારતીય છાત્રોની સંખ્યા પાંચ ગણી વધશે

Spread the love

અમેરિકામાં હાયર એજ્યુકેશનમાં હવે ટોચ આવતા કોલેજમાં જવાની વયના યુવાનોની સંખ્યા ઘટતાં ભારતીયોને તક મળશે


વોશિંગ્ટન
ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા હોય છે. આ ઉપરાંત કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા પણ ભારતીયોના મનપસંદ દેશોમાં સામેલ છે. આ દરમિયાન અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો આવે તેવી શક્યતા છે. એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં યુએસમાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યામાં લગભગ પાંચ ગણો વધારો આવશે. તેનું કારણ એ છે કે અમેરિકામાં હાયર એજ્યુકેશનમાં હવે ટોચ આવી ગઈ છે. અમેરિકામાં કોલેજમાં જવાની વયના યુવાનોની સંખ્યા ઘટતી જાય છે. તેથી આ ઘટ પૂરવા માટે ભારતના સ્ટુડન્ટને તક આપી શકાય છે.
એક્સપર્ટ્સ માને છે કે અમેરિકા પોતાના યુવાનોથી કોલેજો ભરી શકે તેમ નથી. જેના કારણે ભારતીય સ્ટુડન્ટ્સ તેની જગ્યા લેશે અને 2030 સુધીમાં યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખનો આંકડો વટાવી શકે છે.
અમેરિકામાં વર્ષ 2025માં જ એનરોલમેન્ટ ક્લિફની સ્થિતિ પેદા થઈ શકે છે. એટલે કે મૂળ અમેરિકન સ્ટુડન્ટની સંખ્યા ઘટી જશે તેથી ભારતીય સ્ટુડન્ટની સંખ્યામાં સીધો 15થી 20 ટકાનો વધારો થશે અને આ સંખ્યા આગામી પાંચ વર્ષ સુધી વધતી જશે. અત્યારની સ્થિતિ જોવામાં આવે તો ગયા વર્ષે 2.68 લાખ ભારતીય સ્ટુડન્ટે અમેરિકન કોલેજોમાં એડમિશન લીધું હતું.
એેક એક્સપર્ટે જણાવ્યું કે અમેરિકામાં 2000ના દાયકામાં મંદીની સ્થિતિ પેદા થઈ હતી તે આના માટે જવાબદાર છે. તે સમયે મંદીના કારણે રોજગાર મળવાની શક્યતા ઓછી હતી. તેથી દંપતીઓ ઓછા બાળકોને જન્મ આપતા હતા અને બર્થ રેટ ઘટી ગયો હતો. તેની અસર હવે જોવા મળી છે. અત્યારે અમેરિકન કોલેજોમાં સ્થાનિક યુવાનોની સંખ્યા ઘટતી જાય છે અને બેઠકો ખાલી રહે છે. 2008માં યુએસમાં આર્થિક સ્થિતિ ખરાબ હતી અને તેના 16-17 વર્ષ પછી અત્યારે સ્ટુડન્ટની સંખ્યા ઘટી ગઈ છે.
અમેરિકન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના નેશનલ સેન્ટર ફોર એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ મુજબ 2010-11માં અમેરિકામાં અંડર ગ્રેજ્યુએટનું એનરોલમેન્ટ 1.81 કરોડ સ્ટુડન્ટ હતું. ત્યાર પછી તેમાં ઘટાડાનો દોર શરૂ થયો હતો. 2022માં યુએસમાં માત્ર 1.51 કરોડ સ્ટુડન્ટે એડમિશન લીધા હતા. વર્ષ 2020થી અત્યાર સુધીમાં લગભગ 12.3 લાખ અમેરિકન અંડરગ્રેજ્યુએટ્સ કોલેજોમાંથી નીકળી ગયા છે. એટલે કે સ્ટુડન્ટની સંખ્યામાં 4 ટકાનો ઘટાડો થયો છે. આ જગ્યા ધીમે ધીમે ભારત જેવા દેશોના વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે.
અમેરિકામાં અત્યારે સમસ્યા એવી છે કે હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ્સની સંખ્યા પણ ઘટતી જાય છે. આગામી ત્રણથી પાંચ વર્ષ દરમિયાન અમેરિકન કોલેજોએ જગ્યાઓ ભરવા માટે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પર જ આધાર રાખવો પડશે અને તેમાં સૌથી મોટો ફાયદો ભારતીય વિદ્યાર્થીઓને થશે. છેલ્લા ત્રણ વર્ષથી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે. 2022માં 1.99 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા જ્યારે 2023માં આ આંકડો સીધો 35 ટકા વધીને 2.68 લાખ થઈ ગયો હતો. હાલમાં યુએસમાં 10 લાખથી વધારે વિદેશી સ્ટુડન્ટ અભ્યાસ કરે છે જેમાં એકલા ભારતીય સ્ટુડન્ટનો હિસ્સો 25 ટકાથી વધારે છે.

Total Visiters :77 Total: 1469340

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *