ખડગેએ આ બ્લેક પેપર રજૂ કર્યો હતો, તેમણે આ દરમિયાન મોદી સરકારની ગેરન્ટીઓ, મોંઘવારી, ખેડૂતો વગેરેના મુદ્દાઓને ઊઠાવ્યાં
નવી દિલ્હી
સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે ‘શ્વેત પેપર’ લાવવા જઈ રહી છે ત્યારે જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના 10 વર્ષના શાસન સામે ‘બ્લેક પેપર’ લાવી છે. ખડગેએ આ બ્લેક પેપર રજૂ કર્યો હતો. તેમણે આ દરમિયાન મોદી સરકારની ગેરન્ટીઓ, મોંઘવારી, ખેડૂતો વગેરેના મુદ્દાઓને ઊઠાવ્યાં હતાં. તેમણે આ દરમિયાન મોદી સરકારના 10 વર્ષના શાસનને અન્યાય કાળ ગણાવતાં કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર ક્યારેય સત્ય જણાવતી નથી. એમએસપીની ગેરન્ટી આપી હતી જે આજ સુધી પૂરી થઇ નથી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ ‘બ્લેક પેપર’ રજૂ કરતાં ઘણાં મુદ્દાઓ પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર વર્તમાન સમયની વાત નથી કરતી અને તે ભૂતકાળમાં જઈને કોંગ્રેસના શાસનની વાતો કરે છે. પરંતુ તેણે આજના સમયમાં જે મોંઘવારી છે તેની વાત કરવી જોઈએ. મોદીએ હાલમાં ફુગાવાને કન્ટ્રોલ કરવા કેવા પગલાં ભર્યા તેના વિશે જણાવવું જોઈએ. તેમણે ઈન્દિરા ગાંધી અને નહેરુના સમયકાળની વાતો કરવાનું ટાળવું જોઇએ. તેમની સાથે તુલના ન થઇ શકે.
કેન્દ્રની મોદી સરકારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના 10 વર્ષના આર્થિક પ્રદર્શનની તુલનાએ ભાજપના 10 વર્ષના આર્થિક પ્રદર્શનને રજૂ કરતો ‘વ્હાઈટ પેપર’ લાવશે. આજે ફરી સંસદમાં ફરી સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળાની શક્યતા છે.
ખડગેએ મોદી સરકાર પર મોટો આરોપ મૂકતાં કહ્યું કે ઉદ્યોગપતિઓ, નેતાઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને હેરાનગતિ કરીને ચૂંટણી માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર ઈડી, સીબીઆઈ, આઈટી અને અન્ય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.
ખડગેએ બ્લેક પેપર વાંચતા કહ્યું કે મોદી સરકાર કહે છે કે અમને પ્રજાનો સપોર્ટ છે. તો પછી શા માટે તમારે બીજા રાજ્યોમાં સરકારોને પાડીને તમારી સરકાર બનાવવાની ફરજ પડે છે. શા માટે અન્ય રાજકીય પક્ષોની સરકારોને અસ્થિર કરો છો અને તેમને શાસન કરવા નથી દેતા અને એકલા પાડી દો છો.
બ્લેક પેપર રજૂ કરવાની સાથે ખડગેએ કહ્યું કે જ્યારે પણ મોદી સંસદમાં બોલે છે ત્યારે પોતાની અને સરકારની નિષ્ફળતાઓને છુપાવે છે. જ્યારે પણ અમે તેમની સરકારની નિષ્ફળતાઓ વિશે જણાવીએ છીએ તો તેને મહત્ત્વ નથી અપાતું. એટલા માટે અમે બ્લેક પેપર રજૂ કરીને લોકોને મોદી સરકારની નિષ્ફળતાઓથી વાકેફ કરાવવાનો નિર્ણય લીધો.